રાજપુરીજંગલના ગોમટીપાડાના બિસ્માર રસ્તા અંગે રાવ
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામના ગોમટીપાડા ફળીયામાં મુખ્ય રસ્તાથી ખોરી ફળીયા તરફ જતા અંદાજે ૨ કિલોમીટર લાંબા માર્ગમાંથી આશરે ૨૦૦ મીટરનો રસ્તો અત્યંત બિસ્માર બની જતાં ગ્રામજનોઍ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રસ્તાનું નિર્માણ કરવાની માંગ કરી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ રસ્તા પર દોઢથી બે ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. ચોમાસામાં આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં અકસ્માતનો ભય વધ્યો છે. ખાસ કરીને ગોમટીપાડા ફળીયામાં આવેલી આંગણવાડીના ૪૦ બાળકો તથા પ્રાથમિક શાળાના ધોરણ ૧થી ૫માં અભ્યાસ કરતા ૬૫ વિદ્યાર્થીઓ દરરોજ જીવના જોખમે આ રસ્તેથી અવરજવર કરવા મજબૂર બન્યા છે.
ગ્રામજનોઍ વધુમાં જણાવ્યું હતું કે આ સમસ્યા અંગે અનેક વખત ગામના સરપંચ સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ આ રસ્તાનો આશરે ૨૦૦ મીટરનો ભાગ છેલ્લા ઘણા વર્ષોથી અત્યંત જર્જરિત હાલતમાં છે. ફળીયાના અંદાજે ૧૪૫ પરિવારો અને ૩૫૦ જેટલા ગ્રામજનો રોજિંદી અવરજવર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે.
બિસ્માર રસ્તાને કારણે ખેતીના કામકાજમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. ઉપરાંત, રસ્તાની ખરાબ હાલતને કારણે ૧૦૮ ઍમ્બ્યુલન્સ પણ મુખ્ય રસ્તાથી અંદાજે ૨૫૦ મીટર સુધી જ પહોંચી શકે છે, જેના કારણે તાત્કાલિક સારવારની જરૂરિયાત સમયે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.ગ્રામજનોઍ પ્રાંત અધિકારીને રજૂઆત કરી બાળકોની સુરક્ષા, ગ્રામજનોની અવરજવર તથા તાત્કાલિક આરોગ્ય સેવાઓને ધ્યાનમાં રાખી બિસ્માર રસ્તાનું સમારકામ કે નવીનીકરણ કરાવવા કરવાની માંગ કરી છે.
