અંબિકાના દેવધા ડેમનાં તમામ ૪૦ દરવાજા ખોલાયા
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૧ ઃ બીલીમોરા અંબિકા નદી ઉપર દેવધા ડેમ કેચમેન્ટ વિસ્તારમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદ વરસતા નવા નીર આવવા શરૂ થયા હતા. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના પૂર ફરી વળવાની સંભાવના ઉભી થઈ હતી. જેને પગલે બુધવાર દિવસ દરમ્યાન તમામ ૪૦ દરવાજા ખોલી દેવાયા હતા. જેને કારણે ફરી અંદાજીત ૧૩,૭૦૦ ક્યુસેક જેટલું શુદ્ધ જળ દરીયામાં છોડી દેવાયું છે. પરીણામ ઍ હેઠવાસ નાં ૭ ગામ દેવધા, તોરણગામ, ધમડાછા, વલોટી, ભાઠા, અજરાઈ અને દેવસર ને ઍલર્ટ કરાયા હતા.
ગણદેવી તાલુકાના દેવધા ગામે અંબિકા નદી ઉપર વર્ષ ૨૦૦૨ માં રૂ. ૧૯ કરોડના ખર્ચે દેવધા દેવ સરોવર પરિયોજના સાકાર થઈ હતી. ૫ મીટર પહોળા અને ૫૦૦ મીટર લાંબા ડેમમાં ઍક ઍક મીટરની ઉંચાઈ ધરાવતા ઉપર-નીચે ૨૦-૨૦ મળી કુલ ૪૦ દરવાજા ફીટ કરાયા હતા. જેને કારણે ડેમની અપ સ્ટ્રિમ (ઉપરવાસ) કેચમેન્ટ વિસ્તારમાં ૨૨ કીમી જેટલા વિસ્તારમાં ૬.૪૫ મિલીયન ક્યુબીક મીટર જેટલો વિશાળ શુદ્ધ જળભંડાર સંગ્રહિત થાય છે. જે ૨૯ જેટલા ગામો ની પાણી જરૂરિયાત પૂરી કરે છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વહેતી વેંગણિયા અને પનિહારી નદી પણ ડેમને કારણે છલોછલ રહે છે. પ્રતિવર્ષ ચોમાસા ઋતુના આગમન ટાણે આગોતરા આયોજન થકી પૂરની સ્થિતિ ટાળવા ડેમના તમામ ૪૦ દરવાજા ખોલી દેવામાં આવતા હોય છે.
તમામ દરવાજા ખોલી દેવાયા બાદ પણ ડેમ માં ૧.૭૫ ઍમસીઍમ જેટલો શુદ્ધ પાણી નો જથ્થો સંગ્રહિત રહે છે.ડેમ ના દરવાજા ખોલાતા માછીમારો ને તડાકો પડ્યો હતો. ગણદેવી ડ્રેનેજ પેટા વિભાગ ના અધિકારી પ્રિયાંક પટેલ અને ઍમની ટીમ સહિત દેવધા ના અજય પટેલ ઉપસ્થિત રહયા હતા.
