Damanganga Times.

Damanganga Times.

July 02, 2026

વાપીમાં ઠેર ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું

વાપીમાં ઠેર ઠેર પાણી ભરાતાં જનજીવન ખોરવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપીમાં બુધવારે સવારે ૬ થી ૮ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં ૧૦૫ મિ.મી. (આશરે ૪ ઇંચ) વરસાદ વરસતા સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સવારે ૮ વાગ્યા બાદ વરસાદની તીવ્રતા ઘટી હતી, છતાં સાંજે ૬ વાગ્યા સુધીમાં વધુ ૧૨ મિ.મી. વરસાદ નોંધાતા કુલ ૧૨ કલાકમાં ૧૩૩ મિ.મી. ઍટલે કે અંદાજે ૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
આ ભારે વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ ૨૪૦ મિ.મી. ઍટલે કે સરેરાશ ૧૦ ઇંચની નજીક પહોંચી ગયો છે. બીજી તરફ પવન સાથે પડેલા વરસાદના કારણે રોહિત વાસ, કસ્ટમ રોડ, આશિયાના કોમ્પ્લેક્ષ, હરિયા પાર્ક અને સુલપડ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ઘટનાની જાણ થતાં વાપી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને આધુનિક કટર મશીનની મદદથી વૃક્ષોને કાપી રસ્તા પરથી દૂર કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ ભારે વરસાદે શહેરની વરસાદી પાણી નિકાલ વ્યવસ્થાની પોલ ફરી ઍકવાર ખોલી નાખી હતી.