છીરીમાં આજે પણ ગેરકાયદે ભંગારના ગોડાઉનો ધમધમે છે
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી શહેરના છીરી ગાલા મસાલા વિસ્તારમાં આજે પણ અનેક ભંગારના ગોડાઉનો બેફામ રીતે ધમધમી રહ્ના હોવાનું સામે આવ્યું છે. મુખ્ય માર્ગને અડીને તેમજ ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલી આ ગોડાઉનોમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, કાગળ, ઔધ્યોગિક કેમિકલના ડ્રમ સહિતનો જ્વલનશીલ ભંગાર સંગ્રહ કરવામાં આવતો હોવાથી આગ જેવી મોટી દુર્ઘટનાનો ભય છે. સૂત્રોના જણાવ્યા મુજબ કેટલાક ગોડાઉનોમાં ફાયર સેફટીના કોઈ સાધનો પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત ગોડાઉનોની બહાર ભંગારના ઢગલા મુકાતા વાહનવ્યવહારને પણ અસર થાય છે. જો કોઈ અકસ્માત કે આગની ઘટના બને તો આ ગીચ વિસ્તારમાં જ્યાં આજુબાજુ દુકાનો પણ હોવાથી મોટી હોનારત સર્જાઈ શકે તેમ છે. ઍક તરફ મહાનગર પાલિકા દ્વારા થોડાં મહિના પહેલાં વાપી શહેરના કચીગામ રોડ, બલીઠા, ડુંગરી ફળિયા,સલવાવ કરવડ સહિતના વિસ્તારોમાં મોટાભાગે ખેતીની જગ્યામાં કોઈ પણ જાતના લાઇસન્સ કે સેફટીના સાધનો વિના ધમધમતી અસંખ્ય ગેરકાયદે ગોડાઉનોનું ડિમોલિશન કર્યું હતું. પરંતુ હજુ છીરી ગાલા મસાલા જેવા કેટલાક વિસ્તારોમાં મહાનગર પાલિકાનું ધ્યાન ગયું ન હોવાનું જણાય છે ત્યારે સંબંધિત વિભાગ દ્વારા આવા ગોડાઉનોની તપાસ કરી રહેણાંક અને જાહેર માર્ગને અડીને જોખમી રીતે ચાલતા ગોડાઉનો સામે યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે. સમયસર જરૂરી પગલાં નહીં ભરાય તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્ના છે.
