ધરમપુરમાં વરસાદના આગમન સાથે ધરતીપુત્રો વાવણીના કામમાં જોતરાયા
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ ધરમપુર તાલુકામાં લાંબી રાહ બાદ આજરોજ મેઘરાજાઍ જોરદાર ઍન્ટ્રી કરતાં સિઝનનો પ્રથમ નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સામાન્ય રીતે ૧થી ૧૫ જૂન દરમિયાન વરસાદની શરૂઆત થતી હોય છે.
પરંતુ આ વર્ષે વિલંબ થતાં આજરોજ ૩૦ જૂને વરસાદનું આગમન થયું હતું. જૂન મહિનાની ૩૦મી તારીખ સુધી તાલુકામાં માત્ર ૧૯ મીમી વરસાદ નોંધાયો હતો. જોકે આજે ઍક જ દિવસમાં ૭૦ મીમી પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૮૯ મીમી થયો હતો.
વરસાદના કારણે સમગ્ર તાલુકામાં ઠંડક પ્રસરી જતાં છેલ્લા ઍક મહિનાથી ગરમીથી પરેશાન લોકો અને ખેડૂતોને રાહતનો અનુભવ થયો હતો.
વરસાદના આગમનને લઈ તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો ડાંગર, નાગલી અને કઠોળ જેવા પાકોની વાવણીમાં જોડાઈ ગયા હતા. વરસાદના આગમનથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
ધરમપુર તાલુકાની ખેતી મુખ્યત્વે ડાંગર પર આધારિત છે, જ્યારે નાગલી અને કઠોળના પાકનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી ચિંતાતુર બનેલા ખેડૂતોમાં જીવ આવ્યો હતો.
