ધરમપુરની શિક્ષિકાઍ માત્ર ૧૪ દિવસમાં વસ્તી ગણતરી પૂર્ણ કરી પ્રથમ ક્રમે સન્માન મેળવ્યું
- byDamanganga Times
- 02 July, 2026
(જિજ્ઞેશ સોલંકી દ્વારા)
વલસાડ, તા. ૦૧ ઃ વર્ષ ૨૦૨૬માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘર યાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોઍ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે. શિક્ષકોની ફરજ પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સમાજ સાથેના સતત સંપર્કને કારણે તેઓ આ કામગીરી માટે સૌથી વિશ્વસનીય સાબિત થયા છે. જેના પરિણામે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંઘોળી - પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાકુમારી રમણભાઈ પટેલે માત્ર ૧૪ દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડી સિધ્ધિ મેળવતા ધરમપુરના પ્રાંત અધિકારી આર.સી. પટેલ દ્વારા તેમને ધરમપુર તાલુકામાં સૌથી ઝડપી વસ્તી ગણતરી પૂર્ણ કરવા અંગે પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર ઍનાયત કરી તેમની સેવાને બિરદાવી પ્રોત્સાહિત કરાયા છે. સચોટ વસ્તી ગણતરી ઍટલે સુઆયોજિત વિકાસની ખાતરી. વસ્તી ગણતરી કોઈપણ દેશના વિકાસ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. તેનાથી દેશ, રાજ્ય અને સ્થાનિક સ્તરે લોકોની વાસ્તવિક સ્થિતિ, સંખ્યા અને જરૂરિયાતોની માહિતી પ્રા થાય છે. તાજેતરમાં સ્વંય વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ તા. ૧ જૂનથી શિક્ષકોને દરેક ગામ અને ઘરની જવાબદારી સોંપી પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં ધરમપુર તાલુકામાં પ્રથમ સ્થાને વસ્તી ગણતરી પૂર્ણ કર્યા અંગેનું બહુમાન મેળવનાર ધરમપુરના આંઘોળી- પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના પટેલ જણાવે છે કે, વસ્તી ગણતરીનો લેખિત ઓર્ડર મને તા.૧ જૂન ૨૦૨૬ના દિવસે જરૂરી કીટ સાથે મને આપવામાં આવ્યો હતો.
જેમાં મને મારા વતન ખારવેલ ગામનો બ્લોક નં. ૦૧૦૨ ફાળવવામાં આવ્યો હતો. કીટ સાથે આપેલા મારા બ્લોકના સેટેલાઈટ નકશાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. વધુ સમજવા માટે ગૂગલ મેપ અને ગૂગલ અર્થ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરી વિસ્તારને વધુ સારી રીતે સમજ્યો હતો. ત્રણ જ દિવસમાં નકશો દોરી સુપરવાઈઝર સમક્ષ રજૂ કરવાનો હોવાથી ઝડપથી મકાન ગણતરી કરી લીધી હતી. ખારવેલ ગામ મારા માટે જાણીતું હોવા છતાં અનેક આંટાફેરા માર્યા બાદ ગલીઓ, રસ્તાઓ, કૂવા, મંદિર વગેરેનું સ્થાન ખ્યાલ આવ્યું હતું.
ધરમપુર તાલુકામાં સૌ પ્રથમ વસ્તી ગણતરીનું કામ પાર પાડવા અંગેનો શ્રેય પોતાના પતિને આપતા દર્શના પટેલ જણાવે છે કે, મારા પતિ આર્ટિસ્ટ છે, તેમણે નકશો બનાવવામાં ખૂબ જ મદદ કરી હતી. નકશો ફાઈનલ થયા બાદ ફિલ્ડમાં જઈ પડકારજનક કામ કરવાનું શરૂ કર્યુ હતુ. લોકો સમક્ષ અમારી વાત રજૂ કરવાની, ખરી મુશ્કેલી તો હવે ચાલુ થઈ હતી. શાળાની ફરજ નિભાવ્યા બાદ લોકોના ઘરે જઈઍ ઍટલે પહેલો સવાલ પૂછતા કે, શું કામ આવ્યા? આ કામ કરવાથી અમને શું ફાયદો થશે?
૩૪ પ્રશ્નો હોવાથી લોકો કહેતા હજુ કેટલા પ્રશ્નો પૂછવાના છો, હજુ કેટલી વાર આવવાના છો આવા અનેક પ્રશ્નોનો રોજે રોજ ઘરે ઘરે જવાબ આપવો પડતો હતો પરંતુ અમને તાલીમ જ ઍવી આપવામાં આવી હતી કે, દરેક વ્યકિતને શાંતિપૂર્ણ રીતે સંતોષકારક જવાબ આપી સૌથી ઝડપી કામગીરી પાર પાડવામાં સફળતા મળી હતી.
