વલસાડ પાલિકાના ૯ પડતર પ્રશ્નો ૧૦ દિવસમાં ઉકેલો નહીં તો...
- byDamanganga Times
- 02 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૧ ઃ વલસાડ શહેરના સ્થાનિક પ્રશ્નો અને નગરપાલિકાના કથિત પક્ષપાતી વલણ સામે વોર્ડ નં. ૫ ના રહીશ અને ઍડવોકેટ અકીબ મકબુલ મલેકે મોરચો માંડ્યો છે. તેમણે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઍક લેખિત નોટિસ પાઠવીને વલસાડના હિત અને વિકાસ માટે વિવિધ ૯ જેટલા પડતર મુદ્દાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે. જો આગામી ૧૦ દિવસમાં આ કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી ૧૩/૦૭/૨૦૨૬ના રોજ સવારે ૧૧ઃ૦૦ વાગ્યાથી વલસાડ નગરપાલિકાની કમ્પાઉન્ડમાં આમરણ ઉપવાસ પર બેસવાની ચીમકી આપવામાં આવી છે.
વલસાડ નગર પાલિકા વોર્ડ નં. ૫ ના રહીશ અને ઍડવોકેટ અકીબ મકબુલ મલેકે મોરચો માંડ્યો છે. તેમણે વલસાડ નગરપાલિકાના ચીફ ઓફિસરને ઍક લેખિત માં રજુઆત કરી કે વલસાડ નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોનું ભાડું વસૂલવામાં આવે છે, પરંતુ જરૂરી સુવિધાઓ કે રીપેરિંગ કરાતું નથી. આ સેન્ટરોનું રીપેરિંગ નગરપાલિકાના ખર્ચે થાય અથવા રાજ્ય સરકારના જંત્રી ભાવે ભાડુતોને માલિકી હક્ક આપવામાં આવે, ટાઉન પ્લાનિંગ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓ મોટા ગજાના લોકો સામે કાર્યવાહી કરવાને બદલે ગરીબ લારી-ગલ્લાવાળાઓ સામે તાત્કાલિક પગલાં ભરી તેમની આજીવિકા છીનવી રહ્ના છે.
જે બંધ થવું જોઈઍ, વલસાડના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે, જેના કારણે રાત્રિના સમયે મહિલાઓ, યુવતીઓ અને બાળકો અંધારાને લીધે બહાર નીકળી શકતા નથી. ડ્રેનેજ લાઈનના ચેમ્બરો ભરાઈ અને ઉભરાઈ રહ્ના છે. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં તંત્ર ઉદાસીન છે. શહેરની સ્કૂલો અને હોસ્પિટલો પાસે બાળકો, વાલીઓ અને સામાન્ય જનતાની સલામતી માટે સ્પીડ બંપ બનાવવામાં આવે, ઘન કચરો ઉપાડવાની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવા છતાં વસૂલવામાં આવતો સેનિટેશન ટેક્સ તાત્કાલિક બંધ કરી અત્યાર સુધી ઉઘરાવેલા નાણાં જનતાને પરત કરવામાં આવે, પાલિકા વિસ્તારના ગરીબ લારી ધારકોને હેરાન કરવાને બદલે વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે જેથી તેઓ સન્માનભેર રોજગારી મેળવી શકે, બિનકાયદેસર દબાણો અંગે પાલિકા દ્વારા માત્ર નોટિસો આપી સંતોષ મનાય છે, અરજદાર ઍડવોકેટ અકીબ મલેકે વલસાડની જાહેર જનતાને પણ પોતાના હક્કો માટે આ લડતમાં જોડાવા અને પાલિકાની ઉદાસીનતા સામે અવાજ ઉઠાવવા અપીલ કરી છે.
