ભીલાડ ટુ-વે રેલવે અંડરપાસનું લોકાર્પણ
- byDamanganga Times
- 01 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૦ ઃ ઉમરગામ તાલુકાના લોકો લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્ના હતા તે ભીલાડ ટુ-વે રેલવે અંડરપાસનું આજે સાંસદ ધવલભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. અંડરપાસ શરૂ થતાં જ રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ઉમરગામ તાલુકાના પ્રવેશદ્વાર સમાન ગણાતા ભીલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી મંથર ગતિઍ ચાલી રહ્નાં હતું. જેના કારણે ઉમરગામ, સરીગામ અને વાપી વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો વાહનચાલકોને ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ રહેવું પડતું હોવાથી લોકોમાં ભારે અસંતોષ જોવા મળતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રેલવે વિભાગ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ ટુ-વે અંડરપાસને મંજૂરી મળતા કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે વિવિધ કારણોસર કામમાં વિલંબ થતાં ધારાસભ્ય રમણભાઈ પાટકર અને સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા સતત અનુસરણ કરવામાં આવ્યું હતું. તેમના પ્રયાસોના પરિણામે આખરે કામગીરી પૂર્ણ થતાં આજે અંડરપાસ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત ભીલાડ ગ્રામ પંચાયતના સરપંચ વૈશાલીબેન દ્વારા મહાનુભાવોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન, ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, રેલવે વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્ના હતા. ઉપસ્થિત મહાનુભાવોઍ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં વિકાસલક્ષી કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
લોકાર્પણ પ્રસંગે ભીલાડ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. ટુ-વે અંડરપાસ શરૂ થતાં હવે ઉમરગામ-વાપી માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થશે અને વાહનચાલકોને વધુ સુરક્ષિત તથા સુગમ મુસાફરીનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
