વાપી મનપા આધાર કેન્દ્ર શરુ કરવા દરખાસ્ત કરશે
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૯ ઃ વાપી શહેરની સતત વધી રહેલી વસતી અને આધાર કાર્ડ સંબંધિત સેવાઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અધિકૃત મનપા સંચાલિત આધાર સેવા કેન્દ્ર શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ પ્રપોઝલ મોકલવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. આ કેન્દ્ર શરૂ થતાં શહેરના લાખો નાગરિકોને આધાર કાર્ડ બનાવવા, સરનામું, મોબાઇલ નંબર, જન્મતારીખ સહિતની વિગતોમાં સુધારો કરાવવા માટે અન્યત્ર જવાની જરૂર રહેશે નહીં. હાલમાં વાપીના રહેવાસીઓને આધાર કાર્ડની કામગીરી માટે દમણના ડાભેલ અથવા હાઈવે સ્થિત મામલતદાર કચેરી સુધી જવું પડે છે. મનપા દ્વારા અધિકૃત આધાર કેન્દ્ર શરૂ કરવાની દરખાસ્ત મંજૂર થશે તો શહેરના નાગરિકોને ઍક જ સ્થળે સરળ, પારદર્શક અને સમયસર આધાર સંબંધિત તમામ સેવાઓ ઉપલબ્ધ થશે.
