Damanganga Times.

Damanganga Times.

June 30, 2026

વિરવલના શિક્ષકે જમવાનું લેવા આવતી બાળકીને કન્યાશાળામાં પ્રવેશ અપાવ્યો

વિરવલના શિક્ષકે જમવાનું લેવા આવતી બાળકીને કન્યાશાળામાં પ્રવેશ અપાવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૯ ઃ  સમાજમાં આજે પણ ઘણા બધા બાળકો વિવિધ પરિસ્થિતિઓને કારણે શિક્ષણથી વંચિત રહેતા હોય છે  ધરમપુરમાં આવોજ ઍક કિસ્સો સામે આવતા  ઍક બાળકીને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવાનો પ્રશંસનીય પ્રયાસ ધરમપુરના યુવા શિક્ષક ઋષિત મસરાણીઍ કર્યો છે. ધરમપુર નજીક આવેલા વિરવલ ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા ઋષિત મસરાણી સેવાકીય સંસ્થા પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. ટ્રસ્ટના અન્નપૂર્ણા રસોડે દરરોજ જમવાનું લેવા આવતી ૧૨ વર્ષની કોમલ સાથેની ઍક સામાન્ય વાતચીતે તેમને વિચારતા કરી દીધા. જ્યારે તેમણે કોમલને પૂછ્યું કે તે કયા ધોરણમાં ભણે છે, ત્યારે તેણીઍ નિર્દોષતાથી જવાબ આપ્યો કે જરૂરી પાઠ્યપુસ્તક કે નોટબુક ના અભાવે તેને ક્યારેય શાળામાં પ્રવેશજ મેળવ્યો નથી. આ વાત સાંભળીને ઋષિત મસરાણીઍ તેને શિક્ષણથી વંચિત ન રહેવા દેવાનો નિર્ણય કર્યો. તેમણે ધરમપુર કન્યા શાળાના શિક્ષકોનો સંપર્ક કરી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી. શિક્ષકોના સહયોગથી આર.ટી.ઈ. હેઠળ કોમલને ધોરણ-૫માં પ્રવેશ અપાવવામાં આવ્યો.  જે બાળકી થોડા દિવસ પહેલાં માત્ર જમવાનું લેવા આવતી હતી, તે આજે શાળાના બેગ સાથે પોતાના નવા સફરની શરૂઆત કરી રહી છે. ભલે ભણતરનો પાયો હજુ મજબૂત કરવાનો બાકી હોય, પરંતુ હવે તેને શિક્ષણનો માર્ગ મળી ગયો છે.  પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોમલને વધારાનું શૈક્ષણિક માર્ગદર્શન પણ આપવામાં આવશે, જેથી તે અન્ય વિદ્યાર્થીઓની સાથે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધી શકે. શાળાના શિક્ષકો પણ તેને જરૂરી હૂંફ અને સહયોગ આપી રહ્ના છે.
ઋષિત મસરાણીનું માનવું છે કે દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે, ઍ માત્ર સરકારની નહીં, સમગ્ર સમાજની જવાબદારી છે.  
ઉલ્લેખનીય છે કે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોમલ સહિત અન્ય ચાર બાળકોને પણ ફરીથી શિક્ષણના પ્રવાહમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટના માત્ર ઍક બાળકીને શાળામાં પ્રવેશ અપાવવાની નથી, પરંતુ સમાજને ઍક સકારાત્મક સંદેશ આપવાનો છે. જો દરેક વ્યક્તિ પોતાના આસપાસના ઍક બાળકને પણ શિક્ષણ તરફ દોરી જાય, તો અનેક બાળકોના સપનાઓને નવી દિશા મળી શકે.  ઍક ટિફિન થોડા સમયની ભૂખ શાંત કરે છે, પરંતુ શિક્ષણ આખા જીવન માટે નવી આશા અને નવી તકના દરવાજા ખોલે છે.