Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

મોગરાવાડી ફાયર સ્ટેશન ‘શોભાના ગાંઠિયા’ સમાન

મોગરાવાડી ફાયર સ્ટેશન ‘શોભાના ગાંઠિયા’ સમાન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ વલસાડ નગરપાલિકા દ્વારા મોગરાવાડી વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નવનિર્મિત ફાયર સ્ટેશન સ્થાનિક રહીશો માટે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્નાં છે.
અબ્રામા અને મોગરાવાડી જેવા ઝડપથી વિકસતા અને ગીચ વિસ્તારોમાં આગ કે અન્ય કોઈ આકસ્મિક હોનારત સમયે તાકીદે પહોંચી વળાય તેવા આશય સાથે આ ફાયર સ્ટેશન શરૂ કરવાની અને ત્યાં ફાયર ફાઈટર (બોમ્બા) તૈનાત કરવાની મોટી-મોટી જાહેરાતો પાલિકા દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા ઍ છે કે, આજ દિન સુધી આ ફાયર સ્ટેશનમાં ઍક પણ વાહન કે કર્મચારી મૂકવામાં આવ્યા નથી.
મોગરાવાડીમાં ફાયર સ્ટેશન   તૈયાર થઈ ગયા બાદ વહીવટી તંત્ર તેને સજ્જ કરવાનું જ ભૂલી ગયું છે. આગ બુઝાવવા માટેના અત્યાધુનિક વાહનો મુકવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ અત્યારે આ સ્ટેશન સંપૂર્ણપણે ખાલીખમ પડ્યું છે. જો આ વિસ્તારમાં કોઈ મોટી આગની ઘટના બને, તો છેક વલસાડ મુખ્ય મથકેથી ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધી રાહ જોવી પડે તેમ છે, જે મોટી જાનમાલની નુકસાની નોતરી શકે છે.
પાલિકાની ઘોર બેદરકારીને કારણે આ લાખો  રૂપિયાનું સરકારી બિલ્ડિંગ હવે બિનઉપયોગી બની ગયું છે. ફાયર ફાઈટરની જગ્યાઍ અત્યારે આ ફાયર સ્ટેશનની અંદર અને આસપાસ રખડતા ઢોરો જમાવડો કરતા જોવા મળે છે. ઍટલું જ નહીં, સુરક્ષા કે સ્ટાફના અભાવે આ જગ્યાઍ સ્થાનિક લોકો અને અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસતા હોવાની પણ ગંભીર ફરિયાદો ઉઠી રહી છે.
અબ્રામા અને મોગરાવાડી વિસ્તારના રહીશોમાં પાલિકાની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. ચોમાસાની ઋતુ અને શોર્ટ સર્કિટના કારણે બનતી ઘટનાઓ વચ્ચે જો તંત્ર વહેલી તકે જાગશે નહીં અને અહીં ફાયર ફાઈટરની સુવિધા કાર્યરત નહીં કરે, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.