વલસાડમાં શહેરની ધૂળ સાફ કરવા લાવેલા લાખોના વાહનો ધૂળ ખાતા થયા
- byDamanganga Times
- 30 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના દાવા કરતી વલસાડ નગરપાલિકાની વધુ ઍક ગંભીર બેદરકારી સામે આવી છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર જામતી ધૂળની ડમરીઓથી નાગરિકોને મુક્તિ અપાવવા માટે પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જે અત્યાધુનિક વાહનો વસાવવામાં આવ્યા હતાં, તે આજે પોતે જ ધૂળ ખાઈ રહ્ના છે. વલસાડના રસ્તાઓ પરથી ધૂળ સાફ કરવા માટે નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનું આંધણ કરીને ટ્રેક્ટર સહિતના સફાઈ વાહનોની ખરીદી કરવામાં આવી હતી. હેતુ ઍવો હતો કે આ વાહનો રસ્તા પર દોડશે અને શહેર ધૂળમુક્ત બનશે. પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત જોવા મળી રહી છે. ખરીદી કર્યા બાદ આ વાહનો ક્યારેય રસ્તા પર સફાઈ કરતા જોવા મળ્યા જ નથી! ઍક તરફ ઉનાળામાં ધૂળની ડમરીઓ અને ચોમાસામાં કાદવ-કીચડથી પ્રજા પરેશાન થાય છે, અને બીજી તરફ પ્રજાના ટેક્સના પૈસાથી ખરીદેલા વાહનો પાલિકાના યાર્ડમાં શોભાના ગાંઠિયા સમાન પડી રહ્ના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લાખોના ખર્ચે ખરીદાયેલા આ વાહનો ધૂળ ખાઈ રહ્ના છે. વાહનોની સમયસર જાળવણી કરવામાં આવતી નથી.
વાહનો ઓપરેટ કરવા માટે પૂરતો સ્ટાફ જ ફાળવવામાં આવ્યો નથી. વાહનો પડી રહેવા છતાં સત્તાધીશો આ બાબતે મૌન સેવી રહ્ના છે. લાખો રૂપિયાના વાહનો વસાવ્યા પછી પણ જો વલસાડની જનતાને ધૂળ જ ખાવાની હોય, તો આવા વાહનો ખરીદવાનો અર્થ શો? શું આ માત્ર બજેટ વાપરી નાખવાનો ખેલ હતો નાગરિકો હવે માગ કરી રહ્ના છે કે આ વાહનોને તાત્કાલિક ધોરણે રસ્તા પર ઉતારવામાં આવે અથવા તો આ વેડફાટ પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવેશે કે પછી આમ જ લાખો રૂપિયાના વાહનો ધૂળ ખાતા રહેશે.
