ખાનવેલ-દાદરામાં મેલેરિયા-ડેન્ગ્યુ રોગો અંગે માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 29 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૮ ઃ જૂન મહિનાને ઍન્ટી મેલેરિયા માસ તરીકે ઉજવવાના ભાગરૂપે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ (ઍનવીઆબીડીસીપી), દાદરા અને નગર હવેલી દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન, સેલવાસના સહયોગથી ઔદ્યોગિક નોડલ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમો યોજાયા.
આ તાલીમ ખાનવેલ, સમરવર્ણી, નરોલી, દાદરા અને રંધા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં યોજાઈ હતી, જેથી તમામ ઉદ્યોગોના પ્રતિનિધિઓ તેમાં ભાગ લઈ શકે.
પ્રશિક્ષણ દરમિયાન સ્ટેટ પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગણેશ વર્ણેકર, સ્ટેટ ઍપિડેમિયોલોજિસ્ટ ડૉ. નોવિન બિસ્વાસ અને કન્સલ્ટન્ટ વિશાલ ડમાલિયાઍ મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો તેમજ ઇન્ટિગ્રેટેડ વેક્ટર કંટ્રોલ અંગે વિસ્તૃત માહિતી આપી. લાર્વા સર્વે, લાર્વાનો નાશ, તાવના કેસોની દેખરેખ, સારવારની માર્ગદર્શિકા, જંતુનાશકોનો ઉપયોગ, ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રે, ગેમ્બૂસિયા માછલી દ્વારા જૈવિક નિયંત્રણ તેમજ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. મગનભાઈ, કીર્તિભાઈ અને રીનાઍ લાર્વા સર્વે માટે રોજિંદા ફોર્મ ભરવાની પ્રક્રિયા સમજાવી હતી. જ્યારે ગૌરવ અને કમલેશે લાર્વા તથા ગેમ્બૂસિયા માછલી અંગે પ્રાયોગિક પ્રદર્શન કરીને ઉપસ્થિતોને માહિતી આપી.
