વાપી-વટાર-મોરાઈ રૂટ પર દોડતી બસથી લોકોમાં ભારે નારાજગી
- byDamanganga Times
- 29 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૮ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા ગ્રામીણ વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી અને સરાહનીય સાબિત થઈ રહી છે. તંત્રનું આ પગલું ખરેખર આવકારદાયક છે, પરંતુ જો આ બસોનું સંચાલન વધુ યોગ્ય અને સમયબદ્ધ રીતે કરવામાં આવે તો તે જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. કેટલાક ગામડાઓમાં આયોજનને કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હાલમાં દોડતી બસોનું ટાઈમ-ટેબલ નક્કી નથી અને ગામના બસ સ્ટોપ પણ નથી અને કેટલીક જગ્યાઍ તો બસ સેવા અંગેની કોઈ માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી.
આ માહિતીના અભાવે ગ્રામજનો બસ સેવાનો પૂરતો લાભ લઈ શકતા નથી. જો સમયબદ્ધ સંચાલન થાય તો વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા ગામડાઓના મુસાફરોને બસ સેવા મળી રહેશે અને ખાસ કરીને આ અંગે વાપી, વટાર અને મોરાઈ રૂટ પર દોડતી બસ અંગે વટાર ગામના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બસ વટાર ગામના મુખ્ય બસ સ્ટોપ, જે ગુજરાતી સ્કૂલ અને બજાર પાસે આવેલું છે, ત્યાં આવવાને બદલે બહારથી જ બાયપાસ થઈને નીકળી જાય છે.
આના કારણે ગ્રામજનોને બસ ક્યારે આવી અને ક્યારે ગઈ તેની કોઈ માહિતી જ મળતી નથી. વટારના ગ્રામલોકોની પ્રબળ માંગ છે કે આ બસને બહારથી બાયપાસ કરવાને બદલે ગામની અંદર બજારમાંથી રૂટ કરીને ગુજરાતી સ્કૂલ પાસેના સ્ટોપ પર લાવવામાં આવે. આ સાથે જ ત્યાં મુસાફરોને ચડવા-ઉતરવા માટે ઓછામાં ઓછો બે મિનિટનો હોલ્ટ (વિરામ) આપવામાં આવે. જો મહાનગરપાલિકા દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે તો જ આ સેવાનો ઉપયોગ મહત્તમ લોકો કરી શકશે તેવી આશા લોકો સેવી રહ્ના છે.
