Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

કપરાડા તાલુકામાં આયોજનબદ્ધ વિકાસની જરુર

કપરાડા તાલુકામાં આયોજનબદ્ધ વિકાસની જરુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા.૨૮ ઃ દેશને આઝાદીના ૭૯ વર્ષ પૂર્ણ થવા છતાં અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આજે પણ અનેક પાયાની સમસ્યાઓ યથાવત જોવા મળે છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં વિકાસના વિવિધ કામો થયા હોવા છતાં વસાહતોનું અનિયોજિત વિસ્તરણ અનેક પડકારો ઉભા કરી રહ્નાં છે.

કપરાડા તાલુકો ડુંગરાળ અને અંતરિયાળ વિસ્તાર હોવાથી અહીંના લોકો પરંપરાગત રીતે પોતાની જમીન પર અલગ-અલગ સ્થળોઍ મકાનો બનાવે છે. વસ્તી વધતા ઍક જ પરિવારના ભાઈઓ પણ અલગ ઘર બાંધતા હોવાથી નવી વસાહતો ડુંગરો અને દુર્ગમ વિસ્તારોમાં ઉભી થઈ રહી છે. આવા સ્થળોઍ રસ્તા, પીવાનું પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવી સરકાર માટે મુશ્કેલ અને ખર્ચાળ બની જાય છે. સ્થાનિક સ્તરે ઍવી ચર્ચા છે કે ઘણા વિસ્તારોમાં ગ્રામપંચાયતની પૂર્વ મંજૂરી લીધા વગર પણ રહેણાંક મકાનો ઉભા થઈ રહ્ના છે. પરિણામે પાછળથી સુવિધાઓની માંગ ઊભી થાય છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને નાણાકીય મર્યાદાઓને કારણે દરેક સ્થળે તાત્કાલિક સુવિધા પહોંચાડવી શક્ય બનતી નથી. વિસ્તારના જાણકારોનું માનવું છે કે ભવિષ્યમાં વસાહતોનું આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે યોગ્ય નીતિ બનાવવાની જરૂર છે. નવા મકાનો માટે સંબંધિત તંત્રની મંજૂરી, સ્થળની યોગ્યતા, રસ્તા, પાણી, વીજળી અને અન્ય જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સંભાવનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો વિકાસ વધુ અસરકારક બની શકે. સરકાર કપરાડા તાલુકાના વિકાસ માટે દર વર્ષે કરોડો રૂપિયાની વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે. તેમ છતાં જો વસાહતો ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં બનતી રહેશે તો વિકાસના ખર્ચમાં સતત વધારો થશે અને તમામ લોકોને સમાન સુવિધાઓ પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાશે. ગ્રામ વિકાસના નિષ્ણાંતો સૂચવે છે કે જ્યાં શક્ય હોય ત્યાં આયોજનબદ્ધ રીતે રહેણાંક વસાહતો વિકસાવવામાં આવે, જેથી ઍક જ સ્થળે માર્ગ, પાણી, વીજળી, શાળા, આરોગ્ય કેન્દ્ર અને અન્ય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય. આ સાથે ગ્રામપંચાયત, સ્થાનિક લોકો અને સરકારી વિભાગો વચ્ચે સંકલન વધે તો વિકાસની ગતિ વધુ તેજ બની શકે. આ મુદ્દો માત્ર કપરાડા પૂરતો મર્યાદિત નથી, પરંતુ અનેક આદિવાસી અને ડુંગરાળ વિસ્તારો માટે પણ વિચારવા જેવો છે. વિકાસ માત્ર નાણાં ફાળવવાથી નહીં, પરંતુ લાંબા ગાળાના આયોજન, સ્થાનિક લોકોની ભાગીદારી અને સુવ્યવસ્થિત વસાહત વિકાસથી જ શક્ય બની શકે છે. તેથી આગામી સમયમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે આયોજનબદ્ધ નીતિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત અનુભવાઈ રહી છે.