કપરાડા-નાનાપોંઢામાં વાવણી બાદ વરસાદ ખેંચાતાં ખેડૂતો ચિંતિત
- byDamanganga Times
- 29 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૮ ઃ દક્ષિણ ગુજરાતના કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક સંતોષકારક વરસાદ નોંધાયો નથી. ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પૂરતો વરસાદ ન થતાં ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી પર નિર્ભર ખેડૂતો માટે હાલની સ્થિતિ મુશ્કેલીભરી બની રહી છે.
આદિવાસી વિસ્તારમાં નાગલી મુખ્ય પાક હોવાથી ખેડૂતો પરંપરાગત રીતે સૂકી જમીનમાં પણ તેની વાવણી કરી દેતા હોય છે. તે મુજબ આ વર્ષે પણ મોટા ભાગના ખેડૂતો નાગલીની વાવણી પૂર્ણ કરી ચૂક્યા છે. સાથે સાથે કેટલાક ખેડૂતો દ્વારા ડાંગર અને ભાતની વાવણી પણ કરવામાં આવી છે. જોકે વાવણી બાદ વરસાદ ખેંચાઈ જતાં ખેતરોમાં પૂરતો ભેજ ન હોવાથી બિયારણ ઉગવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ બજારમાં બિયારણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો વાવેલું મોંઘું બિયારણ બગડી જવાની શક્યતા છે. પરિણામે ખેડૂતોને ફરીથી બિયારણ ખરીદી પુનઃ વાવણી કરવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે, જેનાથી તેમના પર આર્થિક બોજ પણ વધશે. ખેતી સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સમયસર વરસાદ ન મળવાથી માત્ર નાગલી જ નહીં, પરંતુ ડાંગર જેવા મુખ્ય પાકના ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. હાલ ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી છે અને તેઓ સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્ના છે.
હવામાનમાં અનુકૂળ પરિવર્તન આવી આગામી દિવસોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી ખેડૂતો આશા રાખી રહ્ના છે. જો ટૂંક સમયમાં સારો વરસાદ વરસશે તો પાકને નવજીવન મળશે, પરંતુ વરસાદ વધુ વિલંબ કરશે તો ખેતી અને ખેડૂતો બંને માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. સમગ્ર પંથકના ખેડૂતો હવે મેઘરાજાની મહેરની રાહ જોઈ રહ્ના છે.
