Damanganga Times.

Damanganga Times.

July 26, 2026

ફેક ઍકાઉન્ટની વાયરલ પોસ્ટથી ડરેલી લીલાપોરની યુવતીની આત્મહત્યા

ફેક ઍકાઉન્ટની વાયરલ પોસ્ટથી ડરેલી લીલાપોરની યુવતીની આત્મહત્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડના લીલાપોરગામની ૧૮ વર્ષીય  યુવતીના ઇન્સ્ટાગ્રામ આઈડી અને મોબાઈલ નંબરનો દુરુપયોગ કરી તેના જ મિત્રઍ પોલીસ વિરુદ્ધ બીભત્સ વિડીયો વાયરલ કરતા  યુવતીઍ આત્મહત્યા કરવાની ઘટના બાદ તેની પાસે મળેલી ઍક સુસાઈડ નોટમાં તેને ફસાવવામાં આવી હોવાની વ્યથા ઠાલવતા પોલીસે યુવક સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી યુવકની ધરપકડ કરી છે.
વલસાડ તાલુકાના લીલાપોરગામના આટા પાટા ફળિયામાં  સુરેશભાઈ શામળજીભાઈ નાયકાની ૧૮ વર્ષીય દીકરી ખુશી નાયકા જે અંકુર દેસાઈના દાંતના દવાખાનામાં કામ કરતી હતી. ખુશીના મોબાઈલ નંબર પરથી બનેલા ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ  તેના મિત્ર પ્રતિક સુરેશભાઈ પટેલ રહે. છપ્પન નગરી, કૈલાસ રોડ, વલસાડ પાસે હતો. મિત્ર પ્રતિકે ખુશીની જાણ બહાર તેના આઈડી અને નંબરનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘વલસાડ પુલીસ ચોરભીખારી’ નામનું ઍક નવું ઍકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક આઈડી પરથી આરોપીઍ વલસાડ જિલ્લા પોલીસ તેમજ ગુજરાત પોલીસ વિરુદ્ધ અત્યંત બીભત્સ, અશ્લીલ અને અપમાનજનક ગાળો બોલતો વિડીયો ક્લિપ અપલોડ કરી વાયરલ કર્યો હતો.
જ્યારે આ વિડીયો વાયરલ થયો અને ખુશીને ખબર પડી કે તેના મિત્ર પ્રતિકે જ તેને ફસાવવા માટે આ કૃત્ય કર્યું છે, ત્યારે તે ભારે માનસિક તણાવમાં આવી ગઈ હતી. પોલીસ કેસ થવાના અને બદનામ થવાના ડરથી ખુશીઍ ગત તા. ૨૧/૦૬/૨૦૨૬ના રોજ બપોરના સમયે  પોતાના ઘરની બાજુમાં આવેલા ઍક બંધ મકાનમાં સાડી વડે છતના લાકડા સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ખુશીઍ આપઘાત કરતા પહેલાં મકાનની બારી પર પોતાના  પિતાને સંબોધીને ઍક અંતિમ ચિઠ્ઠી લખી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે ‘પાપા, મેં ઓટીપી આપ્યો નથી. તેણે મને   મને ખોટી રીતે ફસાવી’ હોવાની કેફિયત લખી હતી. આ ઘટના અંગે મૃતક યુવતીના પિતા સુરેશભાઈ નાયકાઍ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રતિક સુરેશભાઈ પટેલ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.