પીપરિયાની ખાડીમાં સતત બીજા વર્ષે મોટી સંખ્યામાં માછલીઓના મોત
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૪ : સેલવાસની પીપરિયા ખાડીમાં બુધવારે સવારે હજારો માછલીઓ મૃત હાલતમાં અથવા પાણીની સપાટી પર તરતી જોવા મળતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઘટનાઍ પર્યાવરણ તેમજ જાહેર આરોગ્ય સંબંધિત ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહેલી સવારે ખાડીમાં મોટી સંખ્યામાં માછલીઓ મરેલી અને અર્ધમૃત હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચ્યા હતા અને માછલીઓ પકડવા લાગ્યા હતા. આ પ્રતિનિધિ દ્વારા સ્થળ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકો માછલીઓ ઍકત્ર કરતા જોવા મળ્યા હતા.
ઍટલું જ નહીં, ખાડી નજીક આવેલા પુલ પર આ માછલીઓનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ રહ્નાં હતું.
માછલીઓના મોતનું કારણ જાણી શકાયું નથી ત્યારે જ તેનું વેચાણ થતું હોવાને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે.
માછલીઓના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે પર્યાવરણ કાર્યકરો અને સ્થાનિકોઍ પાણી પ્રદૂષિત થયાની આશંકા વ્યક્ત કરી તાત્કાલિક તપાસની માંગ કરી છે.
કાર્યકરોઍ જણાવ્યું કે ગયા વર્ષે પણ આ જ ખાડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હતા. પરંતુ તપાસમાં શું બહાર આવ્યું, પ્રદૂષણ માટે કોણ જવાબદાર હતું અને શું કાર્યવાહી કરવામાં આવી હતી તેની માહિતી આજે સુધી જાહેર કરવામાં આવી નથી.
પર્યાવરણ કાર્યકરોનો આક્ષેપ છે કે કેટલાક ઉદ્યોગો ચોમાસાની ઋતુ દરમિયાન નદીઓ, ખાડીઓ અને નાળાઓમાં બિનઉપચારિત પ્રવાહી કચરો તથા જોખમી ઔદ્યોગિક રસાયણો છોડતા હોય છે. જોકે હાલની ઘટનામાં કોઈ ચોક્કસ ઉદ્યોગની સંડોવણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુરાવો સામે આવ્યો નથી. નિષ્ણાતોના મતે જો ઔદ્યોગિક રસાયણોથી પ્રભાવિત માછલીઓ માનવ ખાદ્ય શ્રેણીમાં પ્રવેશે તો તે ગંભીર જાહેર આરોગ્યનો મુદ્દો બની શકે છે.
ભારે ધાતુઓ અને ઝેરી રસાયણો શરીરમાં જમા થઈ લાંબા ગાળે યકૃત, કિડની અને નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે તેમજ કેટલીક પરિસ્થિતિઓમાં કેન્સર જેવા રોગોના જોખમમાં પણ વધારો કરી શકે છે. સ્થાનિકોઍ પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, જિલ્લા આપદા વ્યવસ્થાપન તંત્ર અને ફૂડ સેફટી વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
પાણી અને માછલીઓના નમૂનાઓની તપાસ કરીને ઘટનાનું સાચું કારણ બહાર લાવવાની તેમજ અસરગ્રસ્ત વિસ્તારની માછલીઓના વેચાણ પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠી છે.
ઘટનાની ગંભીરતા છતાં સમાચાર લખાય છે ત્યાં સુધી વહીવટીતંત્ર, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, આપદા વ્યવસ્થાપન તંત્ર અથવા ફૂડ સેફટી વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું.
સતત બીજા વર્ષે બનેલી આ ઘટનાઍ પીપરિયા વિસ્તારના ઔદ્યોગિક પ્રદૂષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને દેખરેખની વ્યવસ્થાને લઈને ફરી અનેક સવાલો ઊભા કર્યા છે.
