ડુંગરા પ્રા. શાળામાં ડે. મેયર દ્વારા વિદ્યાર્થીનું સ્વાગત કરાયું
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ રાજ્યભરમાં ચાલી રહેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વાપીની ડુંગરા ચમોલાઈ ફળિયાં પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈના હસ્તે નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી તેઓ અભ્યાસ માટે પ્રોત્સાહિત થાય. સાથે જ શિક્ષણના મહત્વ અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
શાળાના શિક્ષકો, વાલીઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને બાળકોને નિયમિત શાળાઍ આવવા પ્રેરિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
