વાપી મનપામાં જન્મ-મરણ દાખલા માટે વેઇટિંગ
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં જન્મ-મરણ દાખલા વિભાગમાં વધતા કામના ભારણ અને મર્યાદિત ટેકનિકલ સુવિધાઓને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. સમગ્ર શહેરના જન્મ-મરણના દાખલા તેમજ તેમાં થતા સુધારાના કામ માટે ગાંધીનગરથી સંચાલિત ઍક જ પોર્ટલ અને ઍક જ કોમ્પ્યુટર પર કામગીરી થતી હોવાથી મનપાઍ ટોકન સિસ્ટમ અમલમાં મૂકી છે. પરિણામે અનેક અરજદારોને દાખલો મેળવવા માટે બે દિવસ સુધી રાહ જોવી પડે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ વાપી નગરપાલિકાના સમયમાં માત્ર વાપી ટાઉન, ચલા અને ડુંગરા વિસ્તારના દાખલાનું કામ થતું હતું. પરંતુ મહાનગરપાલિકાની રચના બાદ તેમાં ભળેલા ૧૧ ગ્રામ્ય વિસ્તારોનું ભારણ પણ આ વિભાગ પર આવી પડ્યું છે. કામનું પ્રમાણ અનેકગણું વધ્યું હોવા છતાં જરૂરી ટેકનિકલ સુવિધા અને વધારાના પોર્ટલ ઉપલબ્ધ ન હોવાથી દિવસ દરમિયાન અંદાજે ૨૫ જેટલા દાખલા જ કાઢી શકાય છે.
મુખ્ય કચેરી ઉપરાંત ચલા, ડુંગરા સહિતની ઝોન કચેરીઓમાં પણ અરજદારોની ભીડ જોવા મળે છે. બીજી તરફ હોસ્પિટલોમાંથી આવતી જન્મની ઍન્ટ્રીઓ પણ નિયમિત રીતે દાખલ કરવાની હોવાથી કર્મચારીઓ પર વધારાનો બોજો રહે છે. પરિસ્થિતિને કારણે અરજદારો અને કર્મચારીઓ વચ્ચે સમયાંતરે બોલાચાલી પણ સર્જાતી હોવાનું જાણવા મળે છે. શહેરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી મનપા તંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
