વાપીમાં ખુલ્લામાં કચરો ભરી ફરતા વગર નંબરના ટ્રેક્ટરો અંગે સવાલો ઉઠ્યા
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લામાં કચરો ભરીને ફરતા વગર નંબરના ટ્રેક્ટરોને લઈને અનેક સવાલો ઊભા થયા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવા ટ્રેક્ટરો કચરો ભરીને અવરજવર કરતા જોવા મળી રહ્ના હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્નાં છે. આ ટ્રેક્ટરો કચરો ક્યાંથી ભરી લાવે છે અને આખરે તેનો નિકાલ ક્યાં કરવામાં આવે છે તે અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે શંકા વધુ ઘેરી બની છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરનો સૂકો અને ભીનો કચરો ઍકત્રિત કરવા માટે પાંચ વર્ષના સમયગાળા માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ મુજબ શહેરમાં ૧૨૫ નવા ટેમ્પો દ્વારા ઘરેથી કચરો ઍકત્રિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સવાલ ઍ ઉભો થાય છે કે જ્યારે સત્તાવાર રીતે કચરા ઉપાડવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે, ત્યારે શહેરમાં વગર નંબરના ટ્રેક્ટરો કયા અધિકાર હેઠળ કચરો પરિવહન કરી રહ્ના છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કેટલાક ટ્રેક્ટરો ખુલ્લેઆમ કચરો ભરીને શહેરમાં ફરતા જોવા મળે છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધની સમસ્યા પણ સર્જાય છે. સાથે જ ઍવી પણ ચર્ચા છે કે બહારના વિસ્તારોમાંથી કચરો લાવી વાપીના કંપોસ્ટ પ્લાન્ટમાં ઠાલવવામાં આવતો હોઈ શકે છે. જો આ પ્રકારની કોઈ ગેરરીતિ ચાલી રહી હોય તો તે ગંભીર બાબત ગણાય.
નાગરિકોઍ મહાનગરપાલિકા કમિશનર પાસે સમગ્ર મામલે ઊંડી તપાસ કરાવી આવા ટ્રેક્ટરોના માલિકો, કચરાના સ્ત્રોત અને તેના નિકાલની પ્રક્રિયા અંગે સત્ય બહાર લાવવાની માંગ કરી છે.
