અટારની પી.કે.ડી. વિદ્યાલયમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 25 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ પી.કે.ડી. વિદ્યાલય, અટાર માં રાજ્ય સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૬ અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલની ઉપસ્થિતિમાં લાયઝન અધિકારી હરેશભાઈ ટંડેલ, અટાર ગામના સંજયભાઈ, ભાગોદ ગામના પૂર્વ સરપંચ નરેશભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય કરસનભાઈ ટંડેલ તથા શાળા મંડળના ઉપપ્રમુખ બળવંતરાય ગજધર વિશેષ ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમની શુભ શરૂઆત મહેમાન ઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીતની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. શાળાના આચાર્ય જીતેન્દ્ર ટંડેલે મહેમાનો અને ઉપસ્થિત સૌનું સ્વાગત કરી કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમજાવતું સ્વાગત પ્રવચન રજૂ કર્યુ હતું. ત્યારબાદ મુખ્ય મહેમાન કિશોરભાઈ પટેલે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવતાં જીવનમાં સતત અભ્યાસ અને સંસ્કારનું મૂલ્ય સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે મહેમાનઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ તેમણે સમગ્ર શાળા પરિસરની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આમ, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬નો કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને પ્રેરણાના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
