ગંભીર ગુનાના ૧૨ કેદીઓને નવસારી જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવા પડયા
- byDamanganga Times
- 20 June, 2026
સાપુતારા, તા. ૧૯ ઃ ડાંગ જિલ્લાની આહવા સબ જેલમાં રહેલા અતિ ગંભીર ગુનાના કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ૧૨ જેટલા કેદીઓને નવસારી જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ડાંગ-આહવાના પોલીસ અધીક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ નવતર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગંભીર ગુનાના કેદીઓ ફરાર થઈ ગયા હોવાની ઘટના બની હતી. આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને જેલની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રહે તે માટે આહવા સબ જેલના ઇન્ચાર્જ જેલર અને આહવા પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ દ્વારા સંયુક્ત સંકલન સાધવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા ગુનાના કેદીઓને અન્યત્ર ખસેડવા માટે નામદાર કોર્ટમાં અહેવાલ રજૂ કરી જેલ ટ્રાન્સફર માટેની દરખાસ્ત કરવામાં આવી હતી.નામદાર કોર્ટ દ્વારા દરખાસ્ત મંજૂર કરી જેલ ટ્રાન્સફરનો હુકમ કરવામાં આવતા જ, ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ જાા સાથે કાર્યવાહી કરવામાં આવી હતી. આહવા સબ જેલમાં સજા કાપી રહેલા અતિ ગંભીર ગુનાના કુલ ૧૨ કેદીઓ, જેમાં ૧૦ પુરુષ કેદી અને ૦૨ મહિલા કેદીઓનો સમાવેશ થાય છે, તેમને યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે નવસારી જિલ્લા જેલમાં સફળતાપૂર્વક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
