સેલવાસમાં સગા ભાઈની હત્યા કરનારને આજીવન કેદ અને દંડ
- byDamanganga Times
- 20 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૯ ઃ દાદરા નગર હવેલીના ખાનવેલ નજીકના ડોલારા ફણસવાડા ગામે વર્ષ ૨૦૨૨ની ૨૪ ડિસેમ્બરના રોજ રાત્રે સાડા સાત વાગ્યાની આસપાસ ફરિયાદી નવશે સોમા ફરલે પોતાના પરિવાર સાથે ઘરના આંગણામાં ઠંડીથી બચવા માટે તાપણું કરી રહ્ના હતા. તે દરમિયાન મહેમાન આવવાના હોવાથી તેમના નાના દીકરા મરનાર નસરુ ફરલેઍ આંગણામાં ત્રણ પ્લાસ્ટિકની ખુરશીઓ મૂકી હતી. આ દરમિયાન આરોપી સદુ ફરલે દારૂના નશામાં ધૂત થઈ હાથમાં કુહાડી લઈને આવ્યો હતો અને રસ્તામાં ખુરશી કેમ મૂકી છે તેમ કહી કુહાડી મારી ખુરશી તોડી નાખી હતી.
જ્યારે મરનાર નસરુઍ ખુરશી તોડવાનો વિરોધ કર્યો, ત્યારે આરોપી સદુઍ ઉશ્કેરાઈને જૂની અદાવતનો રાગ આલાપી ‘આજે તને મારી નાખ્યા વગર છોડવાનો નથી’ તેમ કહી કુહાડીનો જોરદાર ઘા નસરુની ગરદનના ભાગે ઝીંકી દીધો હતો.
ગંભીર ઈજાઓના કારણે નસરુનું ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે તાત્કાલિક આરોપીની અટકાયત કરી તપાસ સાથે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને ત્યારબાદ સેલવાસ કોર્ટમાં ગુનાની ચારસીટ રજૂ કરવામાં આવી હતી આ કેસ માં ફરિયાદી વતી સરકારી વકીલ નિપૂર્ણા રાઠોડ દ્વારા રજૂ કરાયેલા ચક્ષુદર્શી સાક્ષીઓના નિવેદનો, તબીબી પુરાવા અને ખાનવેલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર જે. બી. પટેલ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટના મજબત પુરાવાઓને સેલવાસ કોર્ટના જજ વિભા પી. ઇંગ્લે ગ્રાહ્ના રાખ્યા હતા. અને સરકારી વકીલ ની પૂર્ણા રાઠોડની સફળ દલીલ અને પુરાવાઓ ને ધ્યાને લઈ તેમજ આ ગુનો અત્યંત ગંભીર તેમજ પિતા અને પરિવારના સભ્યોની સામે જ હત્યા કરી દેવામાં આવી હતી જેને ધ્યાને લઈ આરોપી સાદુ નવસે ફરલે ને દોશી ઠેરવી આજીવન કેદની સજા તેમજ રૂ. ૨૫,૦૦૦ નો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભરવામાં નિષ્ફળ રહેતો આરોપીને વધારાના ત્રણ મહિનાની સાદી કેદ ભોગવવી પડશે આમ સરકારી વકીલ નીપૂર્ણા રાઠોડની ધારદાર રજૂઆત અને પુરાવાઓને ધ્યાને લઈ પીડિત પરિવારને ન્યાય મળ્યો છે.
