Damanganga Times.

Damanganga Times.

June 18, 2026

વાપી સિટી સર્વે કચેરીનું બલીઠા હાઈવે ઉપર કાયમી સ્થળાંતર

વાપી સિટી સર્વે કચેરીનું બલીઠા હાઈવે ઉપર કાયમી સ્થળાંતર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા.૧૭ ઃ  વાપી શહેર તેમજ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ્ય વિસ્તારોના જમીન અને મિલકત ધારકો માટે મહત્વના ગણાતા સિટી સર્વે કચેરીના કામકાજનું હવે બલીઠા હાઈવે સ્થિત મામલતદાર કચેરી સંકુલમાં કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે. અગાઉ શહેરના મધ્યભાગમાં આવેલી કચેરીમાં સરળતાથી પહોંચી શકતા અરજદારોને હવે વિવિધ કામો માટે બલીઠા સુધી જવું પડશે.

સિટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ મેળવવા, નામ દાખલ કરવાની ઍન્ટ્રી, હકપત્રક સંબંધિત કાર્યવાહી, જમીનના રેકોર્ડમાં સુધારા તેમજ અન્ય બિનખેતી સંબંધિત કામગીરી માટે રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. કચેરી સ્થળાંતર બાદ શહેરના છેવાડાના વિસ્તારોમાંથી આવતા નાગરિકોને વધુ સમય અને ખર્ચનો સામનો કરવો પડશે.

ખાસ કરીને વાપીમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓ, વકીલો, દસ્તાવેજ લેખકો અને જમીન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નવી વ્યવસ્થાને કારણે શરૂઆતમાં કેટલીક મુશ્કેલીઓ ઉભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સરકારી તંત્રના જણાવ્યા મુજબ તમામ કામગીરી હવે બલીઠા હાઈવે સ્થિત મામલતદાર કચેરી સંકુલમાંથી નિયમિત રીતે કરવામાં આવશે. જોકે જૂની કચેરી પર સ્થળાંતર અંગે કોઈ સૂચના બોર્ડ ન મરતા અરજદારો મૂંઝવણમાં મુકાઈ રહ્નાં છે.

સ્થાનિક નાગરિકો દ્વારા કચેરી ખાતે માર્ગદર્શન અને સુવિધાઓ વધારવાની માંગ પણ ઉઠી રહી છે, જેથી અરજદારોને અનાવશ્યક હેરાનગતિનો સામનો ન કરવો પડે. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલાં પણ આ કચેરી બલીઠા હાઈવે ઉપર ખસેડવાની કવાયત ચાલી હતી જોકે વાપીના કેટલાક અગ્રણી જાગૃત નાગરિકોની ઉચ્ચ અધિકારીઓને રજૂઆત બાદ કચેરીનું સ્થળાંતર મુલત્વી રાખ્યું હતું.