વાપી મનપાના હોદ્દેદારોઍ નામધા અને ચલા ખનકીની પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા કરી
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ ચોમાસા પૂર્વે વાપી શહેર અને નવા જોડાયેલા ૧૧ ગામોમાં યુદ્ધના ધોરણે પ્રીમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઇ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ, અને તેમની ટીમે નામધા ખનકી અને ચલા ખનકી અને જે-ટાઈપ નવા અન્ડરબ્રીજ પાસેની ડ્રેનેજલાઈનમાં કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. વાપી મહા પાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરમાં તેજ ગતિથી વિકાસ કાર્યો થઈ રહ્ના છે. સત્તાધીશોઍ સત્તા સંભાળ્યા બાદ આ પ્રથમ ચોમાસું હોવાથી વાપી મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ આગોતરી તૈયારીઓના ભાગરૂપે પ્રીમોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વાપી અને વલસાડ જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ ૧૨૫ ઇંચથી વધુ વરસાદ વરસે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને અંડરપાસમાં પાણી ભરાવાની વ્યાપક સમસ્યા સર્જાય છે. જો કે, અગાઉ સીમિત બજેટ ધરાવતી નગરપાલિકા હવે મહાનગરપાલિકા બનતાં બજેટમાં ધરખમ વધારો થયો છે, જેના લીધે તમામ વિસ્તાર માં આવેલ ડ્રેનેજ સફાઈ અને પંપ ટેસ્ટિંગ જેવી કામગીરી વ્યાપક સ્તરે હાથ ધરાઈ છે.
મહત્વપૂર્ણ છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં વાપી આજુબાજુના ૧૧ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં પણ ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા અંગે આજે વાપી મહાનગરપાલિકાના મેયર દક્ષાબેન પટેલ, ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતિષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી વિકાસના કામો તેમજ પ્રીમોનસુન કામગીરી ઝડપી પૂર્ણ કરવા અંગેની સૂચનો મનપાના આરોગ્ય વિભાગ તેમ જ ડ્રેનેજ વિભાગના અધિકારીઓને અપાઈ હતી.
