વાપી મનપામાં વિવિધ સમિતિઓની રચના અંગે લોકોમાં આતુરતા વધી
- byDamanganga Times
- 18 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૭ ઃ વાપી મહાનગરપાલિકામાં ૨૮ મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. ત્યારબાદ ૨૯ મેના રોજ નવા હોદ્દેદારોઍ વિધિવત રીતે સત્તા ગ્રહણ કરી પોતાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. જોકે સત્તા સંભાળ્યાને લગભગ ૨૦ દિવસ થવા આવ્યા હોવા છતાં હજુ સુધી મનપાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી નથી.
મહાનગરપાલિકામાં પાણી પુરવઠા, આરોગ્ય, જાહેર બાંધકામ, શિક્ષણ, સફાઈ સહિતની અનેક મહત્વપૂર્ણ સમિતિઓની કામગીરી શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓ સાથે સીધી રીતે સંકળાયેલી હોય છે. સમિતિઓના સભ્યો અને ચેરમેનની નિમણૂંક બાદ જ વિવિધ વિભાગોની કામગીરીને વધુ અસરકારક રીતે આગળ ધપાવી શકાય છે. તેથી શહેરના નાગરિકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં સમિતિઓની રચના અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે સમિતિઓની રચના વહેલી તકે કરવામાં આવે તો શહેરના રસ્તા, સફાઈ, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઈટ સહિતના પ્રશ્નોના નિરાકરણમાં ઝડપ આવશે. હાલમાં અનેક વિકાસલક્ષી યોજનાઓ અને નાગરિક સુવિધાઓ સંબંધિત મુદ્દાઓ સમિતિઓના માર્ગદર્શન અને દેખરેખની રાહ જોઈ રહ્ના છે.
શહેરની જનતા હવે આશા રાખી રહી છે કે મનપા શાસકો દ્વારા ટૂંક સમયમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે, જેથી વિકાસ કાર્યોને વધુ વેગ મળે અને નાગરિકોની લાંબા સમયથી પડતર સમસ્યાઓના ઉકેલ માટે પગલાં ભરાઈ શકે.
