પારડીના ડો. શિવાની અને ઉત્સવ ભદ્રાઍ બુરાન ઘાટી ટ્રેક પૂર્ણ કર્યો
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વાપી, તા. ૧૪ ઃ જ્યાં આકાશ પર્વતોને આલિંગન આપે છે, જ્યાં વાદળો પગલાંની સાથોસાથ ચાલે છે અને જ્યાં પ્રકૃતિનું મૌન પણ ઍક સંગીત બની જાય છે, ઍવા હિમાચલ પ્રદેશના હિમાલયી અંચળમાં આવેલ વિશ્વવિખ્યાત બુરાન ઘાટી ટ્રેકને કિલ્લા પારડીના ડૉ. શિવાની ભદ્રા (ઉત્સવ ડેન્ટલ કેર, કલરવ હોસ્પિટલ) અને ઍન્જિનિયર ઉત્સવ ભદ્રાઍ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ઍક યાદગાર સિદ્ધિ નોંધાવી છે.
શિમલા જિલ્લાના પબ્બર ખીણમાંથી શરૂ થઈ કિન્નૌરની બસ્પા ખીણ સુધી પહોંચતો આ ટ્રેક માત્ર ઍક માર્ગ નથી, પરંતુ કુદરતના અનેક રૂપો સાથેનો ઍક જીવંત સંવાદ છે. લીલાછમ બુગયાલો, ઘટાદાર દેવદારનાં જંગલો, ખડ ખડ વ્હેતી નદીઓ, ચમકતા ગ્લેશિયરો અને બરફથી ઢંકાયેલા ભવ્ય શિખરો વચ્ચે પસાર થતો આ ટ્રેક હિમાલયની વિરાટતાનો અહેસાસ કરાવે છે.
આશરે ૧૫,૦૦૦ ફૂટ થી વધુ ની ઊંચાઈઍ આવેલા બુરાન પાસ સુધી પહોંચવા માટે બંનેઍ મધરાત બાદની ઠંડીમાં રાત્રે ત્રણ વાગ્યે ચઢાણ શરૂ કર્યું. દરેક પગલું જાણે પોતાની મર્યાદાઓ સાથેનો સંવાદ હતું. શિખર નજીક પહોંચતાં જ તેજ પવનો અને હિમવર્ષાઍ તેમનું સ્વાગત કર્યું. ક્ષણભર માટે આખી દુનિયા સફેદ ચાદરમાં ઢંકાઈ ગઈ અને પ્રકૃતિઍ પોતાની દિવ્યતાનો પરિચય કરાવ્યો. ત્યારબાદ ૬૦થી ૭૦ ડિગ્રીના અત્યંત ઊભા બરફીલા ઢોળાવ પરથી રેપેલિંગ (કમર પર દોરડા બાંધી ને ધીરે ધીરે પહાડ ઉતરવું) કરીને નીચે ઉતરવાનો રોમાંચક અને પડકારજનક અનુભવ તેમની આ યાત્રાનો સૌથી યાદગાર અધ્યાય બન્યો. વરસાદથી લપસણા બનેલા માર્ગો, કડકડતી ઠંડી અને ઓક્સિજનની ઘટતી માત્રા છતાં
ઍમના હિંમત અને દૃઢ સંકલ્પ અડગ રહ્ના તે અત્યંત સુખ ની પરાકાષ્ઠા હતી! આ સમગ્ર ટ્રેક દરમિયાન તેમને નિરવ પર્વતોની શાંતિ સાંભળવાનો, પર્વતીય ઝરણાં અને નદીઓનું નિર્મળ પાણી પીવાનો, ગ્લેશિયરોને નજીકથી નિહાળવાનો અને હિમવર્ષાની અલૌકિક અનુભૂતિ માણવાનો અવસર મળ્યો.
ડૉ. શિવાની ભદ્રાના જણાવ્યા અનુસાર, ટ્રેકિંગ માત્ર ઍક પ્રવાસ નથી. તે પોતાની જાતને ઓળખવાની, પોતાની મર્યાદાઓને પડકારવાની અને કુદરતના વિશાળ વિશ્વમાં પોતાના અસ્તિત્વને અનુભવાની ઍક અનોખી યાત્રા છે. અહીં સુખ-સગવડોથી દૂર, માત્ર પોતાની શક્તિ, સહનશક્તિ અને સંકલ્પના આધારે જીવવાનો અનુભવ થાય છે. ડૉ. શિવાની ભદ્રા અને ઉત્સવ ભદ્રાની આ સિદ્ધિ માત્ર ઍક ટ્રેક પૂર્ણ કરવાની નથી, પરંતુ હિમાલયની ગોદમાં સાહસ, સંકલ્પ અને આત્મવિશ્વાસની ઍક સુંદર ગાથા લખવાની છે. તેમની આ ઉપલબ્ધિ યુવાનોને સાહસિક પ્રવૃત્તિઓ તરફ પ્રેરણા આપનારી બની છે.
