દેમણીના હત્યા પ્રકરણમાં પત્ની અને પ્રેમીને ૧૦ દિવસના રિમાન્ડ
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૧૦ ઃ દાદરા અને નગર હવેલીના દેમણી ગામમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ચકચારી હત્યાની ઘટનામાં સેલવાસ પોલીસે ઝડપાયેલા આરોપીઓ સામે તપાસનો ઘેરો કસ્યો છે. પોતાના પતિ પ્રીતેશ પટેલની હત્યાના આરોપમાં ઝડપાયેલી પત્ની અંકિતા પટેલ અને તેના પ્રેમી નિકુંજ વરકેશ પટેલને સેલવાસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કેસની ગંભીરતા અને તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓને ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.
આ સમગ્ર ઘટનાઍ દાદરા અને નગર હવેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ચકચાર મચાવી છે. પોલીસ તપાસમાં અત્યાર સુધી સામે આવેલી વિગતો અનુસાર, મૃતક પ્રીતેશ પટેલની પત્ની અંકિતા પટેલ અને નિકુંજ વરકેશ પટેલ વચ્ચે લાંબા સમયથી પ્રેમસંબંધો હોવાનું બહાર આવ્યું છે. આ સંબંધોની જાણ પ્રીતેશ પટેલને થતાં દંપતી વચ્ચે વારંવાર વિવાદ સર્જાતો હતો.
પોલીસના પ્રાથમિક તારણો મુજબ આ ઘટના પૂર્વ આયોજન હેઠળ આચરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્નાં છે. ઘટનાની રાત્રે નિકુંજ પટેલ ઘરની બારી મારફતે અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ સૂતેલા પ્રીતેશ પટેલ પર જીવલેણ હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં ઘટનાને લૂંટ અથવા અજાણ્યા શખ્સોના હુમલા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા છે.
પરંતુ સેલવાસ પોલીસની ટેકનિકલ તપાસ, કોલ ડિટેલ રેકોર્ડ (ઘ્ઝ઼ય્) અને પૂછપરછના આધારે સમગ્ર ઘટનાનો ભેદ ઝડપથી ઉકેલવામાં સફળતા મળી હતી. ત્યારબાદ પોલીસે અંકિતા પટેલ અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી.
આરોપીઓને કોર્ટમાં રજૂ કરતી વખતે તપાસ અધિકારીઓઍ દલીલ કરી હતી કે હત્યામાં વપરાયેલ હથિયાર હજુ સુધી મળી આવ્યું નથી. ઉપરાંત, સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ (રી-કન્સ્ટ્રક્શન) કરવું જરૂરી છે. તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે પણ ચકાસવાની જરૂરિયાત હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલી દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે બંને આરોપીઓના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
