વલસાડમાં આડા સબંધની શંકાઍ ઍકની હત્યા કરાઈ
- byDamanganga Times
- 11 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧૦ ઃ વલસાડ નજીક ધરમપુર ચોકડી નજીક આવેલા નિડ્ઢય મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલની સામેના ખુલ્લા મેદાનના ઝૂંપડામાં ઍક સગા પતિઍ પત્નીના ચરિત્ર પર શંકા રાખી તેના કૌટુંબિક ભાઈને લાકડાના ફટકા મારી ઘાતકી હત્યા કરવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ હુમલામાં વચ્ચે બચાવવા પડેલી પત્નીને પણ ઈજાઓ પહોંચી છે. વલસાડ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ શહેરના ધરમપુર ચોકડી નજીક ઝૂંપડામાં રહીને કચરો વીણવાનું કામ કરતી રીના ઉર્ફે આરતી ગણેશ રાજપૂતે નામની મહિલાઍ વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તારીખ ૦૯/૦૬/૨૦૨૬ના રોજ રાત્રિના ૮ઃ૩૦ કલાકે તેનો પતિ ગણેશ વિજય રાજપૂતે મૂળ રહે. રાજસ્થાન ઍ રીનાના કૌટુંબિક મામાના દીકરા વિપુલ બાબુભાઈ નાયકા ઉં.વ. ૩૫ સાથે રીનાના આડા સંબંધ હોવાની શંકા-વહેમ રાખ્યો હતો. આ બાબતે ગણેશે વિપુલ સાથે જોર-જોરથી બૂમો પાડી, બિભત્સ ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.
ઝઘડો વધતા પતિ ગણેશ રાજપૂતે આવેશમાં આવી વિપુલ નાયકાને ગડદાપાટુનો માર માર્યો હતો અને બાજુમાં પડેલા વાંસના લાકડા વડે વિપુલના મોઢા તેમજ માથાના ભાગે ફટકા મારી દીધા હતા. આ દરમિયાન ત્યાં નજીકના ઝૂંપડામાં રહેતા વિપુલ હીરાભાઈ વાઘેલા મૂળ રહે. અમરેલી નામના અન્ય ઍક શખ્સે ત્યાં આવી ઝઘડામાં ઝંપલાવ્યું હતું. તેણે પણ ગુસ્સામાં આવી વાંસના લાકડા વડે વિપુલ નાયકાને પીઠના ભાગે ફટકા માર્યા હતા. જ્યારે રીના પોતાના ભાઈ વિપુલને બચાવવા વચ્ચે પડી, ત્યારે વિપુલ વાઘેલાઍ રીનાને પણ પીઠના ભાગે લાકડાના સપાટા મારી ઈજા પહોંચાડી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વિપુલ નાયકા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બહેન રીનાઍ તાત્કાલિક સામે આવેલી નિડ્ઢય હોસ્પિટલના વોચમેન પાસે જઈ મદદ માગી હતી, જેમણે ૧૦૮ અને ૧૧૨ નંબર પર ફોન કરીને પોલીસ તથા ઍમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુલ નાયકાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ વલસાડ માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન રાત્રે ફરજ પરના તબીબે વિજય નાયકાને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે વલસાડ સીટી પોલીસ મથકમાં મૃતકની બહેન રીનાની ફરિયાદના આધારે તેના પતિ ગણેશ વિજય રાજપૂત અને અન્ય શખ્સ વિપુલ હીરાભાઈ વાઘેલા વિરુદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ અને આરોપીઓની ધરપકડ કરવાની ચક્રો ગતિમાન કર્યા છે.
