બગવાડા-સારણ-રેંટલાવ રોડની કામગીરી માટ ડાયવર્ઝન અપાયું
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના બગવાડા સારણ રેંટલાવ રોડની પહોળાઈ અને મજૂબીકરણની કામગીરી આગામી દિવસોમાં થનાર છે. જેથી આ રોડને વાહન વ્યવહાર માટે બંધ કરવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ – ૩૩ ની પેટા કલમ -૧ (બી) અન્વયે મળેલી સત્તાની રૂઍ કાર્યપાલક ઈજનેર (મા.મ.) વિભાગ, પંચાયત, વલસાડની દરખાસ્ત મુજબ વાહનોની અવર જવર માટે પ્રતિબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં જણાવાયુ છે કે, તા. ૧૮/૦૩/૨૦૨૬ થી તા. ૨૫/૦૩/૨૦૨૬ સુધી ઉદવાદા ઝંડાચોકથી મહાવીર રેસીડેન્સી થઈ ને.હા.નં.૪૮ સુધીનો રોડ પ્રતિબંધિત માર્ગ તરીકે જાહેર કરાયો છે. જેથી વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. આ દિવસો દરમિયાન વાહન ચાલકો વાપીથી બગવાડા ટોલનાકા વાળા પુલ થઈ દમણ તેમજ ઉદવાડા ગામ તરફ જતા વાહનો ને.હા.નં. ૪૮ મોતીવાડા (રેલવે ઓવરબ્રિજ) થઈ ને.હા.નં. ૮૪૮ થઈને ઉદવાદા ગામ તેમજ દમણ તરફ આવન – જાવન કરી શકશે. પ્રતિબંધિત રસ્તાના બંને છેડે વાહનો પ્રવેશી ન શકે તે માટે કાર્યપાલક ઈજનેર (મા.મ.) વિભાગ, પંચાયત, વલસાડે જરૂરી આડશો (બેરીકેટીંગ) કરી બંને છેડે વાહનોના પ્રતિબંધ અંગેના બોર્ડ લગાવવાના રહેશે, આ સિવાય ટ્રાફિક નિયમન માટે સ્થાનિક પોલીસે કાર્યવાહી કરવાની રહેશે.
