ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને પારનેરા પર ભકતોનો મહેરામણ ઉમટયો
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૯ ઃ આજથી શક્તિની આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રિનો મંગલ પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લામાં પ્રથમ નોરતે વહેલી સવારથી જ ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ખાસ કરીને વલસાડના પારનેરા ડુંગર પર બિરાજતા મહાકાલી, કાલિકા અને અંબા માતાના દર્શનાર્થે તેમજ વલસાડ શહેરના પ્રાચીન અંબા માતા મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.
વલસાડ ના ઐતિહાસિક પાનેરા ડુંગર પર વહેલી સવાર થી જ શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી હતી. ડુંગરના પગથિયાં ‘જય અંબે’ અને ‘જય મહાકાલી’ના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા. માઇભક્તોઍ ડુંગર ચઢીને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી. વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. વલસાડ શહેરના મધ્યમાં આવેલા ઐતિહાસિક અંબા માતા મંદિર ખાતે પણ પ્રથમ નોરતે ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. વહેલી સવારે માતાજીની વિશેષ ઘટસ્થાપન વિધિ અને આરતીમાં સેંકડો ભક્તો જોડાયા હતા. મંદિરને આકર્ષક રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. દર્શન માટે લાગેલી લાંબી લાઈનોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભીડને જોતા પોલીસ વિભાગ દ્વારા ડુંગર અને શહેરના મંદિરોમાં હોમગાર્ડ અને પોલીસ જવાનો તૈનાત કરાયા છે. સ્વયંસેવકો દ્વારા પીવાના પાણી અને લાઈન વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહયોગ આપવામાં આવી રહ્ના છે. વાહનોની અવરજવર માટે ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
આગામી નવ દિવસ સુધી વલસાડ જિલ્લો માતાજીની ભક્તિમાં લીન રહેશે અને વિવિધ ગરબા મંડળોમાં ખેલૈયાઓ પણ ઝૂમી ઉઠશે.
