આહવાના માલેગામમાં બોગસ ઍનજીઅોનો પર્દાફાશ
- byDamanganga Times
- 20 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા. ૧૯ ઃ ડાંગ જિલ્લામાં ફરી ઍકવાર બોગસ ઍનજીઓ દ્વારા આદિવાસી ખેડૂતોને નિશાન બનાવી મોટી છેતરપિંડી આચરાઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.જેમાં જેરીકો યુનિવર્સલ વર્લ્ડ નામની ઍક ઍનજીઓઍ આહવા તાલુકાના માલેગામ વિસ્તારમાં ખેડૂતોને ખેતી માટે સબસિડીયુક્ત બોરિંગ સુવિધા અપાવવાની લાલચ આપી પ્રતિ લાભાર્થી દીઠ રૂપિયા ૨૧,૮૦૦ મુજબ નાણાં વસૂલ્યા હોવાનું બહાર આવ્યું છે.મળતી માહિતી મુજબ, ૧૧થી વધુ ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. ઍનજીઓ દ્વારા બોરિંગનું કામ કરાવી આપવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ન તો કોઈ કામગીરી હાથ ધરાઈ અને ન તો ખેડૂતોને નાણા પરત આપવામાં આવ્યા. પરિણામે પીડિત આદિવાસી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. વિશેષ નોંધનીય બાબત ઍ છે કે, આ જ ઍનજીઓ દ્વારા અગાઉ પણ આહવા વિસ્તારમાં સમાન પ્રકારની છેતરપિંડી કરવામાં આવી હતી. તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં અસરકારક તપાસ હાથ ધરવામાં આવી નહોતી.જેના કારણે આ ટોળકી ફરી સક્રિય થઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.જિલ્લા તંત્રની આ નિષ્ક્રિયતા સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં જ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને જવાબદાર તંત્ર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પીડિત ખેડૂતો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા છેતરાયેલા નાણાં પરત અપાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે. છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતોની યાદી જોઈઍ તો (૧)રામદાસભાઈ ગોવિંદભાઈ હડસ – ૨૧,૮૦૦.(૨)પાંડુભાઈ મંગળ્યાભાઈ ગાયકવાડ – ૨૧,૮૦૦ .(૩)પીન્ટુભાઈ આનંદભાઈ ભોયે – ૨૧,૮૦૦.(૪)દેવરાજભાઈ બદાભાઈ ચોયો – ૨૧,૮૦૦.(૫)બાલુભાઈ રતનભાઈ ઠાકરે – ૨૧,૮૦૦.(૬)મીરાબેન પાંડુભાઈ ઠાકરે – ૨૧,૮૦૦ (૭)ગુલાબભાઈ સીવદાસભાઈ પવાર – ૨૧,૮૦૦ (૮)ચીમનભાઈ દેવરાજભાઈ દળવી – ૨૧,૮૦૦ (૯)સીતારામભાઈ ભાવર્યાભાઈ ભોયે – ૨૧,૮૦૦ (૧૦)સોમાભાઈ માહદયા ગાયકવાડ – ૨૧,૮૦૦ (૧૧)કેતન પરમાર – ૨૧,૮૦૦ જ્યારે જોગબારી ગામના પીડિત ખેડૂતોમાં(૧)કાશીનાથભાઈ સખારામભાઈ ગાયકવાડ – ૨૧,૮૦૦ (૨)સીતારામભાઈ કળાભાઈ ગાયકવાડ – ૨૧,૮૦૦ (૩)ભીમાભાઈ કાળાભાઈ ગાયકવાડ – ૨૧,૮૦૦.આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાઍ નિષ્પક્ષ અને સઘન તપાસ હાથ ધરવામાં આવે તથા પીડિત ખેડૂતોને નાણાં પરત અપાવવામાં આવે તથા ભવિષ્યમાં આવી છેતરપિંડી અટકાવવા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ જોર પકડી રહી છે.
