Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વાપી રેલ્વે સ્ટેશને ‘ઍલ્ડર ફ્રેન્ડલી’ બનાવવા માટે વિચારાશે ?

વાપી રેલ્વે સ્ટેશને ‘ઍલ્ડર ફ્રેન્ડલી’ બનાવવા માટે વિચારાશે ?


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૮ ઃ વાપી રેલવે સ્ટેશનને મુસાફરોને સુવિધાઓના અભાવને લઈ વૃદ્ધો તેમજ દિવ્યાંગ અને જરૂરિયાતમંદ લોકો પરેશાન બન્યા છે. આ રેલવે સ્ટેશનને જરૂરી ટ્રેનના સ્ટોપેજ અને રિઝર્વેશન કોટામાં વધારો કરવાની પણ જરૂર છે તેમજ છેલ્લા ઘણા સમયથી બંધ પડેલી લિફટ શરૂ કરવા તેમજ ઈલેક્ટ્રીક અથવા બેટરી કાર પ્લેટફોર્મ ઉપર દોડાવવાની જરૂર છે.

વાપી રેલવે સ્ટેશન ઍટલે દક્ષિણ ગુજરાતમાં સુરત પછી સૌથી વધુ રેવન્યુ આપતું રેલવે સ્ટેશન છે. અહીં ઍશિયાની સૌથી મોટી ઔદ્યોગિક નગરી ઍટલે કે વાપી જીઆઇડીસી વિસ્તાર તેમજ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હજારોની સંખ્યામાં ઉદ્યોગો શરૂ થયા છે. જેને લઇ સમગ્ર દેશ ના તમામ રાજ્યના લોકો અહીં વસી રહ્ના છે. જોકે વાપી રેલવે સ્ટેશનને જરૂરી મુસાફરોને સુવિધાઓનો અભાવ તેમજ હાલમાં જરૂરી ઍવા તમામ પ્લેટફોર્મ ઉપર વૃદ્ધો અને દિવ્યાંગ તેમજ મુસાફરો માટે ઉપયોગી લીફટ બંધ અવસ્થામાં છે તથા પ્લેટફોર્મ ઉપર બેટરી કાર કે ઈલેક્ટ્રિક કારની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગો કરાઈ રહી છે જોકે આ અંગે વાપી રેલવે સ્ટેશન ઍટલે ત્રણ જેટલા સાંસદોને લાગુ પડતા રેલવે સ્ટેશન છે અહીં અનેક જરૂરી ટ્રેનનું સ્ટોપેજ પણ હજુ અપાયું નથી સાથે જે ટ્રેનોનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે તેના રિઝર્વેશન કોટામાં વધારો કરવામાં આવે તો વાપી અને સંઘપ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં રહેતા લોકો માટે વિવિધ ટ્રેનોમાં વાપી રેલવે સ્ટેશનથી મુસાફરી કરવું સહેલું બનશે. જે અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઇ પટેલ, દમણના સાંસદ ઉમેશ પટેલ તેમજ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર દ્વારા રેલવે મંત્રી તેમજ લોકસભામાં રજૂઆત કરવાની જરૂર છે. જોકે વાપી રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ થતી વિવિધ ટ્રેનોમાંથી મુસાફર તરીકે પ્લેટફોર્મ ઉતર્યા બાદ તેઓને પ્લેટફોર્મની બહાર જવું કે અન્ય પ્લેટફોર્મ ઉપર જવા આવવા માટે જરૂરી લિફટ હાલ બંધ અવસ્થામાં છે તેમજ પ્લેટફોર્મ ઉપર જરૂરી બેટરી કાર કે ઇલેક્ટ્રિક કારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. જે કરવાની પણ ખૂબ જ જરૂરી છે. જો આ વ્યવસ્થા કરવામાં આવે તો વૃદ્ધો તથા બીમાર દર્દીઓ માટે ખૂબ ઉપયોગી થઈ પડશે. સાથે વાપીમાં હાલમાં જે ટ્રેનોનું સ્ટોપેજ નહિવત છે તેવી ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવે તો વાપી દમણ અને સેલવાસ તેમજ અન્ય વિસ્તારના ઉદ્યોગપતિઓ માટે મુંબઈ અમદાવાદ કે દિલ્હી જવા આવવા માટે ખૂબ જ સહેલું બનશે આ અંગે જરૂરી રજૂઆત વલસાડ, દમણ અને દાનહના સાંસદ દ્વારા રેલવે મંત્રીને તેમજ રેલવે વિભાગમાં કરવામાં આવે તેવી વાપીના લોકો માંગ કરી રહ્ના છે.