Damanganga Times.

Damanganga Times.

March 19, 2026

વલસાડના સાંસદની સંસદમાં ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો શરૂ કરવા માંગ

વલસાડના સાંસદની સંસદમાં ટ્રેનોના સ્ટોપેજ અને નવી ટ્રેનો શરૂ કરવા માંગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૮ ઃ વલસાડ-ડાંગ સાંસદ,લોકસભા ના દંડક  ધવલભાઈ પટેલે લોકસભામાં રેલવે બજેટ પરની ચર્ચા દરમિયાન વલસાડ અને દક્ષિણ ગુજરાતના રેલવે પ્રશ્નોને વાચા આપી હતી. તેમણે વલસાડ રેલવે સ્ટેશન પર વધુ ટ્રેનોના સ્ટોપેજ અને કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો ફરી શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વની માંગણીઓ રજૂ કરી હતી.

સાંસદ ધવલભાઈ પટેલે સૌ પ્રથમ વલસાડમાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. સાથોસાથ તેમણે નીચે મુજબની નવી માંગણીઓ મૂકી હતી. મુંબઈ-ગાંધીનગર અને મુંબઈ-દિલ્હી વચ્ચે શરૂ થયેલી નવી વંદે ભારત સ્લીપર ટ્રેનનું વલસાડમાં સ્ટોપેજ આપવામાં આવે, લાંબા સમયથી વલસાડવાસીઓની માંગણી રહી છે તેવી શતાબ્દી ઍક્સપ્રેસનું સ્ટોપેજ પણ વલસાડ સ્ટેશન પર આપવામાં આવે, દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને તેમણે શ્રમિકોની સુવિધા માટે પણ અવાજ ઉઠાવ્યો હતો. કોવિડ-૧૯ મહામારી દરમિયાન બંધ કરવામાં આવેલી ટ્રેનો, જેનો ઉપયોગ ખાસ કરીને શ્રમિકો અને નોકરિયાત વર્ગ કરે છે, તેને સત્વરે શરૂ કરવામાં આવે,

સંજાણ સ્ટેશન સંજાણ રેલવે સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા ઍક્સપ્રેસનું સ્ટોપેજ આપવા વિનંતી કરી હતી. ધવલભાઇ પટેલે જણાવ્યું હતું કે, પાલઘર (મહારાષ્ટ્ર), દમણ અને દાદરા નગર હવેલીના સાંસદો સાથે મળીને તેમણે સંયુક્ત રીતે ટ્રેન સુવિધાઓ વધારવા માંગ કરી છે. મહારાષ્ટ્રના ડાહણુ અને પાલઘરથી મોટી સંખ્યામાં લોકો વલસાડ, વાપી, સરીગામ અને ઉમરગામમાં કામ અર્થે આવે છે, તેમના માટે વધુ સ્ટોપેજ જરૂરી છે. સુરત-વલસાડ કનેક્ટિવિટી રાત્રે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન સુરતથી વલસાડ તરફ કોઈ ટ્રેન ઉપલબ્ધ નથી, જેથી આ સમયગાળામાં નવી ટ્રેન શરૂ કરવામાં આવે, ઉમરગામ માટે નવી ટ્રેનો ઉમરગામ સ્ટેશન માટે ફલાઈંગ રાણી, અવધ ઍક્સપ્રેસ અને રાણકપુર ઍક્સપ્રેસના સ્ટોપેજ અથવા સુવિધા આપવા રજૂઆત કરી હતી. સાંસદ  ધવલભાઈ પટેલ ની આ રજૂઆતથી વલસાડ અને આસપાસના વિસ્તારના મુસાફરોમાં નવી આશા જાગી છે કે આગામી સમયમાં રેલવે સુવિધાઓમાં વધારો થશે.