Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

નાનીવહિયાળમાં ડિમોલિશનઃ ૩ પરિવાર બેઘર

નાનીવહિયાળમાં ડિમોલિશનઃ ૩ પરિવાર બેઘર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીવલ, તા. ૧૭ ઃ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાનીવહિયાળ ગામે તંત્ર દ્વારા કરવામાં આવેલી બુલડોઝર કાર્યવાહીથી ત્રણ આદિવાસી પરિવાર બેઘર બન્યા હોવાના બનાવે સ્થાનિક સ્તરે ચકચાર મચી છે. આ કાર્યવાહી ઉત્તરપ્રદેશમાં થયેલી સમાન ઘટનાઓ જેવી હોવાની ચર્ચાઓ વચ્ચે આદિવાસી સમાજમાં અસંતોષ વ્યાપ્યો છે.

માહિતી અનુસાર નાનીવહિયાળ ગામમાં કિસનભાઈ વિઠ્ઠલભાઈ ખાનિયા, ઈશ્વરભાઈ વિઠ્ઠલભાઈ ખાનિયા અને સુરેશભાઈ વિઠ્ઠલભાઈ ખાનિયા પોતાના પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ પેઢીથી આ સ્થળે રહેતા આવ્યા છે અને તેમના પાસે કોઈ વૈકલ્પિક જમીન પણ નથી.

ધરમપુર મામલતદાર કોર્ટના આદેશને આધારે વહીવટી તંત્ર અને પોલીસના કાફલા સાથે સ્થળ પર પહોંચ્યું હતું. સત્તાવાળાઓ દ્વારા બે મકાનો પર બુલડોઝર ફરાવી તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

પરિવારજનોના જણાવ્યા મુજબ, અમે વર્ષોથી અહીં રહેતા હતા, હવે અચાનક ઘર તૂટી જતા અમે રસ્તા પર આવી ગયા છીઍ. બાળકોના ભણતર પર અસર પડશે અને પશુઓને રાખવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. હાલ આ ત્રણેય ભાઈઓના પરિવારો નિરાધાર બની ગયા હોવાનું જણાઈ રહ્નાં છે. આ અંગે ધરમપુર મામલતદારે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશ મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંબંધિત પરિવારને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને તેની અંતિમ મુદત ૧૬ માર્ચ, ૨૦૨૬ સુધી રાખવામાં આવી હતી. મુદત પૂર્ણ થયા બાદ નિયમ મુજબ આ પગલું લેવામાં આવ્યું છે. આ બનાવ પછી સ્થાનિક આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને તંત્ર સામે પ્રશ્નો ઊભા થયા છે કે શું પુનર્વસન અથવા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આવી કાર્યવાહી યોગ્ય છે? હાલ આ મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.