Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

વાપી મનપાઍ પખવાડિયામાં જ ૫૨ રૂમો - ૪૪ ફલેટોને તાળા મારી ઘરવેરાના રૂ. ૨.૨૬ કરોડ વસૂલ્યા

વાપી મનપાઍ પખવાડિયામાં જ ૫૨ રૂમો - ૪૪ ફલેટોને તાળા મારી ઘરવેરાના રૂ. ૨.૨૬ કરોડ વસૂલ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૭ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા માર્ચ મહિનામાં માત્ર ૧૫ દિવસમાં જ ૨.૨૬ કરોડની વસુલાત કરાય સાથે ૫૨ રૂમો તેમજ ૪૪ ફલેટને તાળા મારી દેવાતા બાકીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

વાપી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસુલાત માટે નોટિસ આપવાની અને સીલીંગની કાર્યવાહી કરવામાં આવતા વેરો ભરવા બાબતે મિલકત ધારકોમાં જાગૃતિ જોવા મળી રહી છે. આગામી ૧ ઍપ્રિલથી બાકી વેરાની તમામ રકમ ઉપર ૧૨ ટકા વ્યાજ લાગી જવાનું હોવાથી માર્ચ માસના ૧૫ દિવસમાં ૩૫૧૨ મિલકત ધારકોઍ પોતાનો બાકી વેરો ભરી દીધો છે. જેથી રૂ.૨.૨૬ કરોડની આવક થઈ છે. અને અત્યાર સુધીમાં ૨૦૨૫-૨૬ ની કુલ રૂ.૪૧ કરોડની વસૂલાત થઇ છે. ઘરવેરા વિભાગની ટીમોઍ વિવિધ વિસ્તારોમાં સર્વે કરી વર્ષોથી વેરો ન ભરતા બાકીદારોની રહેણાંક મિલકતો સીલ કરવાની કામગીરી હાથ ધરી છે. ડુંગરામાં શાંતિ ઍન્કલેવમાં ૧૮ ફલેટ, સાઈકૃપા ઍપાર્ટમેન્ટમાં ૮ ફલેટ, સાગર સંગીતામાં ૧૨ ફલેટ, વાપીમાં ઍકતા રોયલમાં ૨ ફલેટ ચલામાં હિન્દુસ્તાન લીવર સોસાયટીના ૪ બંગલા મળી ૪૪ રહેણાંક મિલકતોને સીલ મારવામાં આવ્યા છે. આ ઉપરાંત છાંગુર ચૌહાણની ચાલીની ૧૩ રૂમ, મંજુલાબેનની ૫ રૂમ, આદીતનાથ યાદવની ૭ રૂમ વગેરે મળી ૫૨ રૂમોને તાળા મારીને રૂપિયા રૂ.૩.૨૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી. હાલમાં બાકી રહેલા કરદાતાઓ સામે કાર્યવાહી ચાલી રહી છે. જે કરદાતાઓ છેલ્લી નોટિસ બાદ પણ વેરો ભરશે નહિ તેમની મિલકતોની જી બાદ હવે હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહાનગરપાલિકાની ટીમ હાલમાં દરેક વિસ્તારમાં સક્રિય છે અને બાકીદારો સામેની ઝુંબેશ આગામી દિવસોમાં વધુ તેજ બનશે. મિલકત ધારકોને વ્યાજ, દંડ અને સીલીંગ જેવી કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે સમયસર પોતાનો બાકી વેરો ભરવા માટે ઘરવેરા વિભાગની ઍક યાદીમાં જણાવવામાં આવ્યું છે.