ગણદેવીના સેવાસેતુમાં ૧૪૦૯ નગરજનોઍ વિવિધ સરકારી સેવાઅોનો લાભ લીધો
- byDamanganga Times
- 18 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૧૭ ઃ રાજ્ય સરકારની લોકહિતકારી યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા નજીક ફાયર હોલમાં ૧૧માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. નગરજનોઍ વિવિધ સરકારી વિભાગોની સેવાઓનો લાભ લીધો હતો. બે દિવસમાં કુલ ૧૪૦૯ જેટલી અરજીઓ અને પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ગણદેવી નગરપાલિકાના આંગણે યોજાયેલા દ્વિ-દિવસીય સેવાસેતુમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતા. કેમ્પ દરમિયાન રેશનકાર્ડ ઈ-કેવાયસી, હેલ્થ વેલનેસ કાર્ડ સાથે ડાયાબિટીસ અને બી.પી. ચકાસણી, પ્રોપર્ટી ટેક્ષ, આવકના દાખલા, વિધવા સહાય અરજીઓ, જન્મ-મરણ પ્રમાણપત્ર, આધારકાર્ડ સુધારા, પીઍમજેવાય યોજના હેઠળની અરજીઓ, જાતિ પ્રમાણપત્ર, વારસાઈ અરજીઓ, રેશનકાર્ડમાં નામ દાખલ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, આધાર નોંધણી, નવા બેંક ઍકાઉન્ટ તથા લગ્ન નોંધણી સહિત મામલતદાર કચેરીના વિવિધ દાખલાઓ માટેની ૧૪૦૯ અરજીઓ સ્વીકારીને સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. સેવાસેતુ કેમ્પમાં કોઈપણ પ્રકારના વચેટિયા વિના નગરજનોને ઍક જ સ્થળે વિવિધ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
ઘણી અરજીઓનું તાત્કાલિક નિરાકરણ કરીને લાભાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો પણ સ્થળ પર જ વિતરણ કરવામાં આવ્યા હતા. પરિણામે નગરજનોને સરકારી કચેરીઓના વારંવાર ચક્કર મારવાની મુશ્કેલીમાંથી રાહત મળી હતી. આ પ્રસંગે ગણદેવી નાયબ મામલતદાર જિજ્ઞાબેન આહીર, ગણદેવી નગરપાલિકા ના ચીફ ઓફિસર પ્રાચીબેન દોશી, પાલિકા પ્રમુખ ભાવેશ પટેલ, ઉપપ્રમુખ ભાનુબેન પટેલ, પ્રાણલાલ પટેલ, રાજેશ વકીલ, નિરવ સગર, શૈલેષ પટેલ, નગરસેવકો તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહી નગરજનોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કર્યું હતું.
