Damanganga Times.

Damanganga Times.

March 18, 2026

ડાંગ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો

ડાંગ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા. ૧૭ ઃ દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાળઝાળ ગરમી બાદ હવે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. અગાઉ વઘઈ અને આહવા જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૩ ડિગ્રીને પાર પહોંચી જતા લોકો તોબા પોકારી ઉઠ્યા હતા.

 પરંતુ હાલમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. તાજા અહેવાલો મુજબ, વઘઈમાં તાપમાન ઘટીને ૩૭ ડિગ્રી અને જિલ્લા મથક આહવામાં ૩૫ ડિગ્રી નોંધાયું છે. ખાસ કરીને હિલ સ્ટેશન સાપુતારામાં તાપમાનનો પારો સીધો ૨૮ ડિગ્રી પર આવી જતાં પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ ઉપરાંત સુબીર પંથકમાં પણ ૩૧ ડિગ્રી તાપમાન સાથે ગરમીમાં મોટી રાહત મળી છે.આ તાપમાનમાં થયેલા ઘટાડાને પગલે જિલ્લાના જનજીવન પર હકારાત્મક અસર જોવા મળી રહી છે. અગાઉ બપોરના સમયે રસ્તાઓ સુમસામ થઈ જતા હતા, પરંતુ હવે વાતાવરણ આહલાદક બનતા બજારોમાં ફરી ચહલ-પહલ વધી છે. ખેત મજૂરો અને પશુપાલકો જેઓ આકરી ગરમીમાં મુશ્કેલી અનુભવતા હતા, તેમને પણ આ ફેરફારથી મોટી આશ્વાસન મળ્યું છે. સાપુતારામાં તાપમાન નીચું જતા પ્રવાસીઓનો પ્રવાહ પણ વધવાની શક્યતા છે. જોકે, હવામાન વિભાગે પલટાતા વાતાવરણમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને પૂરતું પાણી પીવાની સલાહ જાળવી રાખી છે.