Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

કપરાડાના રોહિયાળ તલાટમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ

કપરાડાના રોહિયાળ તલાટમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા.૧૫ ઃ કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે વીજ લાઇનના પોલ પર થયેલા શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં ગામના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પ્રા માહિતી મુજબ ગામમાંથી પસાર થતી વીજ લાઇનના પોલ પરથી અચાનક તણખલાં (સ્પાર્કિંગ) નીચે પડતા નજીકમાં પડેલા સૂકા ઘાસમાં આગ ફાટી નીકળી હતી. પવનના તેજ વેગને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ અને જોતજોતામાં ડુંગરાળ વિસ્તારમાં પહોંચી ગઈ હતી.

આ આગમાં ગામના કેટલાક ખેડૂતો દ્વારા મહેનતપૂર્વક ઉછેરવામાં આવેલી આંબાની કિંમતી કલમો તેમજ શાકભાજીના માંડવા બળીને ખાખ થઈ ગયા હતાં. ઉપરાંત સૂકા ઘાસ અને અન્ય નાના વૃક્ષોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આગ વધુ વિકરાળ બને અને રહેણાંક વિસ્તાર સુધી પહોંચે તે પહેલાં જ ગામના વડીલો અને જાગૃત યુવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ ગ્રામજનોઍ ઉપલબ્ધ સાધનોની મદદથી ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગ્રામજનોની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે મોટી હોનારત ટળી હતી. જોકે, તૈયાર પાક, આંબાની કલમો અને અન્ય વનસ્પતિને નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા અને વ્યથા જોવા મળી રહી છે.