Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

ગણદેવીની લોકઅદાલતમાં ૩૫ વર્ષ જુના ભંડારી પરિવારનું સુખદ સમાધાન કરાયું

ગણદેવીની લોકઅદાલતમાં ૩૫ વર્ષ જુના ભંડારી પરિવારનું સુખદ સમાધાન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૧૫ ઃ ગણદેવી સિવિલ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં ખેરગામના ભંડારી પરિવાર વચ્ચે છેલ્લા સાડા ત્રણ દાયકાથી ચાલતો જમીન મિલકતનો દિવાની વિવાદ આખરે સમાધાનથી પૂર્ણ થયો હતો. વર્ષ ૧૯૯૧થી અદાલતી કાર્યવાહીમાં અટવાયેલા પાંચ ભાઈઓ વચ્ચેના જૂના પારિવારિક ઝઘડાનો અંત આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ન્યાયાધીશ અને વકીલોના સંયુક્ત પ્રયાસોથી વર્ષો જૂનો આ જટિલ કેસ સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલીને લોક અદાલતના માધ્યમથી ન્યાયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લા મુખ્ય ન્યાયાધીશ પી.જે. તમાકુવાલા અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટીના સચિવ કે. ડી. દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ શનિવારે ગણદેવીમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગણદેવીના પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ ડી.પી. ઓઝાઍ વિશેષ રસ દાખવતા વર્ષ ૧૯૯૧થી ચાલતા વિવાદમાં મધ્યસ્થી કરાઇ હતી. આ સમગ્ર પ્રક્રિયામાં સિનિયર ઍડવોકેટ તુષાર વશી, ગણદેવી વકીલ મંડળના પ્રમુખ જીગ્નેશ નાયક અને સિનિયર ઍડવોકેટ બી.ઍ. ભંડારીઍ હકારાત્મક ભૂમિકા ભજવી કાયદાકીય ગૂંચ ઉકેલી હતી. ૩૫ વર્ષ બાદ વિવાદનો અંત આવતા પાંચેય ભાઈઓ અને તેમનો પરિવાર ઍકસાથે જોવા મળ્યો હતો.જે સાબિત કરે છે કે લોક અદાલત સમય અને નાણાં બચાવવાની સાથે તૂટેલા સંબંધો જોડવામાં પણ અસરકારક સાબિત થાય છે.