સેલવાસની લોક અદાલતમાં ૪૨૧ કેસોનો નિકાલ કરાયો
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૫ ઃ રાષ્ટ્રીય વિધિક સેવા પ્રાધિકરણ, નવી દિલ્હી અને રાજ્ય વિધિક સેવા પ્રાધિકરણના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણ, દાદરા અને નગર હવેલી દ્વારા શનિવારે સિલવાસા જિલ્લા ન્યાયાલય પરિસરમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લોક અદાલતનું સફળ આયોજન જિલ્લા વિધિક સેવા પ્રાધિકરણની અધ્યક્ષ તથા પ્રિન્સિપલ જિલ્લા અને સત્ર ન્યાયાધીશ વિભા ઇંગલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ચેક બાઉન્સ કેસો, મજૂર વિભાગના કેસો, મોટર અકસ્માત કેસો, જમીન અધિગ્રહણ કેસો, રેવન્યુ કેસો, વૈવાહિક વિવાદો, ફોજદારી કમ્પાઉન્ડેબલ કેસો, બેંક, ગ્રાહક કેસો, ગ્રામ પંચાયત તેમજ પ્રી-લિટિગેશન કેસો સહિતના વિવિધ પ્રકારના વિવાદોને સમાધાનથી ઉકેલવાના પ્રયાસો કરવામાં આવ્યા.
આ પ્રસંગે પેનલ જજ તરીકે જયદેવ ઘુલે અને ઍ.આર. વ્યાવહારે હાજર રહી કેસોના નિકાલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
લોક અદાલતમાં કુલ ૨૨૬૭ કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી ૪૨૧ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. આ કેસોમાં કુલ રૂ. ૨,૩૬,૨૦,૦૨૦નું સેટલમેન્ટ થયું હતું. લોક અદાલતના આયોજનથી અનેક કેસોમાં ઝડપથી ન્યાય મળતા પક્ષકારોને રાહત મળી હતી.
