સેલવાસમાં વધતી ગરમીને લઈ આરોગ્ય વિભાગે વિશેષ કાળજી રાખવા ભલામણ કરાઇ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૫ ઃ પ્રદેશમાં દિવસેને દિવસે વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે. વિભાગે જણાવ્યું છે કે ઉકળાટભર્યું વાતાવરણ અને ઊંચું તાપમાન આરોગ્ય પર ગંભીર અસર કરી શકે છે. ખાસ કરીને નવજાત શિશુઓ, બાળકો, વૃદ્ધો તેમજ લાંબા સમય સુધી ધુપમાં કામ કરતા મજૂરો, ખેડૂતો, રસ્તા અને બાંધકામ ક્ષેત્રે કાર્યરત શ્રમિકો, રમતગમત પ્રવૃત્તિઓમાં જોડાયેલા યુવાનો અને પોલીસ કર્મચારીઓને વિશેષ કાળજી રાખવાની જરૂર છે. વિભાગના જણાવ્યા અનુસાર વધુ ગરમીના સીધા સંપર્કમાં આવવાથી હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન ૧૦૪ ડિગ્રી ફેરનહાઇટથી વધુ થવું, ભારે માથાનો દુખાવો, ચક્કર આવવું, ઉકળાટ હોવા છતાં ઓછો પસીનો આવવો, ત્વચા લાલ, ગરમ અને સૂકી લાગવી, સાથે જ હળવા અને સૂતી કપડાં પહેરવા, ધુપથી બચવા સ્કાર્ફનો ઉપયોગ કરવા તેમજ ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાં વધુ પ્રમાણમાં લેવા સલાહ આપવામાં આવી છે. હરી પત્તાવાળી શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવાની પણ ભલામણ કરાઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું છે કે નાગરિકો આ સૂચનોનું પાલન કરીને પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખી શકે છે। વધુ માહિતી માટે ૧૦૪ પર સંપર્ક કરવા અથવા નજીકના આરોગ્ય અધિકારીની સલાહ લેવા અપીલ કરવામાં આવી છે.
