ખોબાનું લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ
- byDamanganga Times
- 16 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૧૫ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના પારડી નગરપાલિકા ખાતે મહિલા સશક્તિકરણ અને સામાજિક જાગૃતિને કેન્દ્રમાં રાખીને યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે છેલ્લા લગભગ ૧૯ વર્ષથી ધરમપુર અને કપરાડા તાલુકામાં સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ, ખોબાને પણ ગૌરવપૂર્ણ સન્માન અપાયું હતું. ટ્રસ્ટને સન્માનપત્ર અને ટ્રોફી અર્પણ કરીને તેમની સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.
લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ, સ્વ-રોજગાર પ્રોત્સાહન, આરોગ્ય જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને ગૃહ ઉદ્યોગના વિકાસ માટે સતત કાર્ય કરી રહ્નાં છે. ટ્રસ્ટ દ્વારા વિવિધ ગામોમાં જાગૃતિ કાર્યક્રમો, તાલીમ શિબિરો અને માર્ગદર્શન કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેથી ખાસ કરીને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી શકે અને તેઓ આત્મનિર્ભર બની શકે.
લોકમંગલમ્ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે અજયભાઈ સહિતના સમર્પિત કાર્યકર્તાઓઍ કાર્યક્રમમાં હાજરી આપી સન્માન સ્વીકાર્યું હતું.
આ અવસરે ટ્રસ્ટના કાર્યકર્તાઓઍ જણાવ્યું હતું કે આ સન્માન સમગ્ર લોકમંગલમ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે અને આ સન્માન સમાજ સેવા ક્ષેત્રે વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે કાર્ય કરવા પ્રેરણા આપે છે.
ટ્રસ્ટના કાર્યકર્તાઓઍ જણાવ્યું કે સમાજના અંતિમ સ્તરે રહેલા લોકો સુધી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના અવસર પહોંચે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું અને તેમને ગૃહ ઉદ્યોગ તથા નાના વ્યવસાય તરફ પ્રોત્સાહિત કરવાનું ટ્રસ્ટનું મુખ્ય ધ્યેય રહ્નાં છે. આ માટે વિવિધ તાલીમ કાર્યક્રમો અને જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે.
ટ્રસ્ટને મળેલું આ સન્માન સમાજસેવાના માર્ગ પર આગળ વધવા માટે નવી પ્રેરણા આપનારું છે અને ભવિષ્યમાં પણ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને સ્વ-રોજગાર જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક કામગીરી કરવામાં આવશે.
