Damanganga Times.

Damanganga Times.

March 16, 2026

આશ્રમશાળા કર્મચારીઅોને હવે અવસાન કિસ્સામાં આશ્રિત કુટુંબોને ઉચ્ચક નાણાકીય સહાય મળશે

આશ્રમશાળા કર્મચારીઅોને હવે અવસાન કિસ્સામાં આશ્રિત કુટુંબોને ઉચ્ચક નાણાકીય સહાય મળશે


ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યભરની ગ્રાન્ટ ઇન ઍઈડ આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા. ૦૫/૦૭/૨૦૧૧ ના ઠરાવ મુજબ કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ લાંબા સમયથી ગ્રાન્ટ ઇન ઍઈડ આશ્રમ શાળાઓના કર્મચારીઓ આ લાભથી વંચિત રહ્ના હતાં. 

ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ સતત રજૂઆતો તથા પ્રયત્નો કરવામાં આવતા અંતે સરકાર દ્વારા આ પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેના પરિણામે હવે રાજ્યભરની આશ્રમ શાળાઓમાં ફરજ બજાવતા શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓના ચાલુ નોકરી દરમ્યાન અવસાન થવાના કિસ્સામાં તેમના આશ્રિત કુટુંબને સરકાર દ્વારા ઉચ્ચક નાણાકીય સહાય મળવાની જોગવાઈ અમલમાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કર્મચારીના અવસાનના કિસ્સામાં તેમના આશ્રિતને રહેમ રાહે નોકરી આપવાની જોગવાઈ હતી. પરંતુ સરકારશ્રી દ્વારા આ જોગવાઈ રદ કરી તેના સ્થાને ઉચ્ચક નાણાકીય સહાય યોજના અમલમાં મૂકવામાં આવી હતી.

ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘના કાર્યકારી પ્રમુખ  યોગેશ પટેલે જણાવ્યું હતું કે સંઘના સતત પ્રયત્નો અને રજૂઆતોના પરિણામે લાંબા સમયથી પડતર રહેલા આ પ્રશ્નનું નિરાકરણ આવતા રાજ્યભરના કર્મચારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજ્ય સંઘ દ્વારા સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગૃહપતિ/ગૃહમાતાની જોગવાઈ અને ગ્રેડ પે સહિતના બાકી રહેલા મુદ્દાઓના નિરાકરણ માટે રાજ્ય સંઘ સતત પ્રયત્નશીલ રહેશે.

સંઘના ભૂતપૂર્વ પ્રમુખ તથા સલાહકાર નરસિંહ મહિડા અને મહામંત્રી રસિકભાઈ ચૌધરી દ્વારા રાજ્ય ભરના જિલ્લા ઘટક સંઘોના પ્રતિનિધિઓ સાથે મળી, સરકારના સંબંધિત વિભાગોને, કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા સમયથી સતત પ્રયત્નો અને રજૂઆતો કરી રહ્ના છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ યોગેશભાઈ પટેલ સહિતના કર્મચારીઓઍ સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયને બિરદાવી આભારની લાગણી વ્યક્ત કરી હતી. ગુજરાત રાજ્યમાં આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત આશ્રમશાળાના કર્મચારીઓની અન્ય વિવિધ માંગણીઓ સરકાર સત્વરે પૂર્ણ કરે ઍવી આશા વ્યક્ત કરી હતી.