Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

વાપીમાં સી.સી.કા.ની રજત જ્યંતિ અને ગફુરચાચાના ૯૨મા જન્મ દિનની ભવ્ય ઉજવણી કરાઈ

વાપીમાં સી.સી.કા.ની રજત જ્યંતિ અને ગફુરચાચાના ૯૨મા જન્મ દિનની ભવ્ય ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ઃ ૧૦ ઃ વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલ સંસ્થાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં તેમજ પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાના ૯૨માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલના સ્થાપક સભ્ય અને ઍડવાઈઝર કમિટીના શ્રી ગફુરભાઈ બિલખીયાના ૯૨માં જન્મદિવસ ધ્યાને લઈ સી.સી.કા. દ્વારા સીનીયર સીટીઝન હોલ વાપીમાં ઍક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં તેમજ વાપી પંથકમાં આરોગ્ય તેમજ શૈક્ષણિકક્ષેત્રે અને નિરાધાર લોકો માટે દાન કરનાર જાણિતા  દાનવીર પ્રદીપભાઈ દેસાઈ અને રેખાબેન દેસાઈ તેમજ શ્રી રામ શંકર શાસ્ત્રી, સલવાવના કપિલ સ્વામીજી, ધર્મદા દવાખાનાના ટ્રસ્ટી ઉંજેશભાઈ શાહ, માં ફાઉન્ડેશનના અમિતભાઈ મહેતા તથા વિરાજ શુક્લા અને મેરિલ લાઈફ કંપનીના નાનુભાઈ બાભરોલીયા, વલસાડ મોરારજી દેસાઈ પ્રતિષ્ઠાના નટુભાઈ દેસાઈ, ધરમપુર કોલેજના માજી આચાર્ય યોગેશભાઈ ભટ્ટ, દમણગંગા ટાઈમ્સના શીતલબેન ઉપાધ્યાય તથા વિકાસ ઉપાધ્યાય તેમજ અન્ય મા ફાઉન્ડેશન, મોર્ડન ઍજ્યુકેશન ટ્રસ્ટ તથા અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતાં.

કાર્યક્રમની શરૂઆતમાં સીસીકાના પ્રમુખ દિનેશભાઈ દેસાઈઍ સૌને આવકાર્યા હતાં અને મમતાબેન દેસાઈ દ્વારા ગણેશ વંદના અને સ્વાગત ગીત અને પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. સાથે પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા, રામશંકર શાસ્ત્રીજી, કપિલ સ્વામીજી પ્રદીપભાઈ દેસાઈ, નટુભાઈ દેસાઈ, પુષ્પાબેન દેસાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાને શાલ ઓઢાડી, ગુલદસ્તો આપી જન્મદિવસ અંગેની શુભકામનાઓ ઉપસ્થિત મહેમાનો તેમજ સિનિયર સિટીઝન કાઉન્સિલના સભ્યો દ્વારા આપવામાં આવી હતી. તથા તેમના જન્મદિવસ નિમિત્તે બાર બાર દિન યે આયે.... ગીતના સમૂહ ગાન સાથે ખાસ બર્થ ડે કેક કાપી ઉજવણી કરાઈ હતી. સાથે વાપી સી.સી.કા.ના ૨૫ વર્ષ પૂર્ણ થતાં પ્રમુખ દિનેશભાઈ દેસાઈનું પણ સીસીકાના પ્રતિનિધિ તરીકે શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન તેઓઍ સી.સી.કા.ની ૨૫ વર્ષ સુધી સતત કરવામાં આવેલી કામગીરી અંગેનો વિસ્તૃત ચિતાર રજૂ કર્યો હતો. આ બેવડી ઉજવણી સંદર્ભે શ્રી રામ શંકર શાસ્ત્રીજી તથા કપિલ સ્વામીજી દ્વારા સિનિયર સિટીઝન કાઉન્સિલના ૨૫ વર્ષ પૂર્ણ થયા બદલ અભિનંદન આપ્યા હતાં અને મુ. પદ્મશ્રી ગફૂરચાચા તેમના તંદુરસ્ત દીર્ઘાયુ માટે શુભકામના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે દમણ ગંગાટાઈમ્સના નિવાસી તંત્રી વિકાસ ઉપાધ્યાય પણ સિસિકાની રજત જયંતિ વર્ષની ઉજવણી માટે સંસ્થાના સ્થાપક સભ્યો પ્રમુખ અને હોદ્દેદારો સહિત હાલના સંચાલકોને પણ અભિનંદન અને શુભકામના પાઠવ્યા હતાં. તથા મુ. ગફુરચાચાના નિરામય દીર્ધાયું માટે પ્રભુ પ્રાર્થના સાથે તેમના આશીર્વાદ સતત સૌ પર વરસતા રહે અને વાપી માટે તેઓ પ્રેરણા રૂપ બની રહે ઍવી શુભકામના કરી હતી. પદ્મશ્રી ગફુરભાઈ પણ આ તબક્કે પોતાનો પ્રાસંગિક વક્તવ્ય અને અનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે સિનિયર સિટીઝન કાઉન્સિલની સ્થાપના કાળના સભ્યો અને પ્રમુખોના યોગદાનને પણ બિરદાવ્યું હતું અને તેમના જન્મદિવસની આ રીતે ઉજવણી કરવા માટે આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. તથા સીસીકાના વિકાસમાં તેઓ હંમેશા સાથે ઊભા છે ઍની ખાતરી પણ આપી હતી.

વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલના મહિલા સભ્યો  દ્વારા ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. જેને પદ્મશ્રી ગફુરભાઈ બિલખિયા તરફથી ૨૦ હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરાયું હતું.  કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોઍ ઍક સાથે ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સિનિયર સિટીઝન કાઉન્સિલના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ અભિનંદન પણ અપાયા હતા