Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

સોનવાડા હાઇવે પર બસ - ટ્રક અકસ્માત : ૬ ઘાયલ

સોનવાડા હાઇવે પર બસ - ટ્રક અકસ્માત : ૬ ઘાયલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

વલસાડ, તા. ૧૦ ઃ વલસાડ   જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર ૪૮ પરના સોનવાડા ગામે હાઇવે પર બસ પસાર થતી વખતે સામેથી આવતી ટ્રકનું ટાયર ફાટતા સામે આવતી ઍસટી બસમાં ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં બસના ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી છે.

વલસાડ જિલ્લામાંથી  નેશનલ હાઇવે નંબર ૪૮ પસાર થાય છે ત્યારે ગઈકાલે રાત્રે વલસાડના સોનવાડા  નેશનલ હાઇવે ૪૮ પરથી પસાર થઈ રહેલી ઍક ટ્રકનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાની સાથે જ ટ્રક ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી. આ જ સમયે સામેથી આવી રહેલી  બસ સાથે ટ્રકની જોરદાર ટક્કર થઈ હતી. બસમાં ૪૦ થી વધુ મુસાફરો સવાર હતા. 

ટ્રકને સામે આવતી જોઈ બસ ચાલકે ત્વરિત બ્રેક મારી સતર્કતા દાખવતા તમામ મુસાફરોનો જીવ બચી ગયો હતો. અકસ્માતમાં ૬ થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી હાઇવે ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.