Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

દાનહના આપટીમાં પતિની હત્યાની નિષ્પક્ષ તપાસ માટે માંગ ઃ વારલી સમાજનું સમર્થન

દાનહના આપટીમાં પતિની હત્યાની નિષ્પક્ષ તપાસ માટે માંગ ઃ વારલી સમાજનું સમર્થન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૦૯ ઃ દાદરા અને નગર હવેલીના આપટી (અવરવાડા) ગામની રહેવાસી મહિલાઍ પોતાના પતિની હત્યાના મામલે નિષ્પક્ષ તપાસ કરી મુખ્ય આરોપીઓને ઝડપવાની માંગ સાથે પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી હતી. આ સમયે મૃતકના પરિવારજનો તેમજ વારલી સમાજના સભ્યો પણ હાજર રહી પીડિત પરિવારને ન્યાય અપાવવા માંગ કરી હતી. આપટીગામની રહેવાસી સુમલીબેન જયેશભાઈ ઘોડિયાઍ પોલીસ અધિક્ષકને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે તેમના પતિ સ્વ. જયેશભાઈ લાલજીભાઈ ઘોડિયા (ઉંમર ૩૪)ની ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે અંદાજે ૬ ઃ ૩૦ થી ૭ ઃ ૦૦ વાગ્યાની વચ્ચે ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. તેમણે આક્ષેપ કર્યો કે ઘટનાને કેટલાંક દિવસ વીતી ગયા હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજીમાં જણાવ્યા મુજબ ઘટના દિવસે તેમના પતિ તેમના ઓળખીતાઓ સંજય નિમલા, ઉત્તમ ચેતન નિમલા અને મધુ નિમલા સાથે આપટી ગામ ગયા હતા. તે દરમિયાન કેટલાક લોકોઍ તેમના પર ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોઍ તેમના માથા પર વારંવાર પ્રહાર કરી ગંભીર રીતે ઇજા પહોંચાડી અને તેમને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. વિધવાઍ આ ઘટનાને પૂર્વનિયોજિત હત્યા ગણાવી જણાવ્યું કે તેમના પતિ પરિવારના ઍકમાત્ર કમાઉ સભ્ય હતા. તેમના નિધનથી પરિવાર પર આર્થિક તેમજ માનસિક સંકટ ઊભું થયું છે. તેમણે વધુમાં આશંકા વ્યક્ત કરી કે જો આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો પુરાવાઓ સાથે છેડછાડ થવાની શક્યતા છે. તેથી તેમણે પોલીસ પ્રશાસનને મામલાની નિષ્પક્ષ તપાસ કરી મુખ્ય આરોપીઓને ઝડપવાની અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે. રજૂઆત દરમિયાન મૃતકના સગાસંબંધીઓ તથા વારલી સમાજના સભ્યો પણ હાજર રહ્ના હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.