કરમખલના ગંગેશ્વર મહાદેવ મંદિરમાં વાર્ષિક પાટોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
બીલીમોરા, તા.૦૮ ઃ વાપી નજીક આવેલ કરમખલ ગામે સ્થિત હર હર ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ૧૩મો વાર્ષિક પાટોત્સવ રવિવારે તા. ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામજનો તેમજ આસપાસના વિસ્તારોમાંથી ભક્તો ઉપસ્થિત રહી ભગવાન શિવના દર્શન કરી ધર્મલાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોઍ ભાવભેર હાજરી આપી હતી. પાટોત્સવ નિમિત્તે વિશેષ મહાઆરતી પણ યોજાઈ હતી, જેમાં ભક્તોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોઍ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. સાથે જ સાંજના સમયે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તિમય ગીતો અને ભજનો દ્વારા સમગ્ર વાતાવરણ ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન ગામના આગેવાન ગમનભાઈ લલ્લુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ભક્તો અને ગામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પાટોત્સવને લઈને સમગ્ર ગામમાં આનંદ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
