સરીગામના જીનાલયમાં જૈન ભગવંતોનું ભવ્ય સામૈયું કરાયું
- byDamanganga Times
- 09 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૮ ઃ સરીગામના શ્રી કુંથુનાથ જિનાલયના આરાધના ભવનમાં જૈનાચાર્ય પૂ. પદ્મદર્શનસૂરિજી મહારાજ અને પંન્યાસ-વર કલ્પવલ્લભ વિજયજી મહારાજ આદિ શ્રમણ ભગવંતોનું આગમન થતાં ઢોલનગારા સાથે ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ઘરે ઘરે અક્ષતની ગહુંલી દ્વારા વધામણાં કરવામાં આવ્યા હતાં. સ્વાગતયાત્રા બાદ પ્રવચન રાખવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓને પૂ.પં. કલ્પવલ્લભવિજયજી મહારાજે જણાવ્યું હતું કે, જીવનમાં પ્રભુની ભક્તિ, સદગુરુનો સત્સંગ અને વૈરાગ્ય પ્રગટવો જોઈઍ. આપણને મૌની પરમાત્મા ખૂબ ગમે છે પણ બોલતા ભગવાન સદગુરુ ઓછા ગમે છે. પ્રભુ સુધી પહોંચાડવાનું કાર્ય સદગુરુ કરે છે. જીવનવિકાસના મૂળમાં સદગુરુ છે. ધર્મસભાને સંબોધતા પૂ. આચાર્ય-વર પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, પદ, પૈસા, પદાર્થ અને પરિવારની પાછળ પાગલ થવાને બદલે પ્રભુની પાછળ પાગલ થવું જોઈઍ.* માનવભવ ભેગું કરવા માટે નથી મળ્યો, ભેગા થવા માટે મળ્યો છે. તૂટેલાને જોડવા માટે મળ્યો છે. સંગઠનમાં વિકાસ છે, વિઘટનમાં વિનાશ છે. પારસ્પરિક પ્રેમ વૃદ્ધિ પામે તે જરૂરી છે. ધરતી ઉપરનું તમારું અવતરણ થયું ત્યારે તમારી પાસે રૂદન હતું પણ હવે ઍવું કોઈ કાર્ય કરતા નહીં કે અંતિમ વિદાય વખતે તમારે રડવું પડે. જીવનને ભૌતિકતાના કચરાથી ભરતા નહીં પણ આધ્યાત્મિકતાના રંગોથી ભરી દેજો. કોઈપણ વસ્તુ કે શક્તિનો અહંકાર કરતા નહીં. જેનો પણ અહંકાર કરશો તે જીવનમાંથી ગાયબ થઈ જશે.
